નવી દિલ્હી: કોરોના વાયરસના ઝડપથી વધતા કેસ જોતા ભારત સરકારે પોતાની વેક્સીનેશન મુહિમને પણ તેજ કરી છે. 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને રસી મળવાની શરૂ થઈ જશે. જો કે રસીને લઈને હજુ પણ લોકોના મનમાં શંકા અને ડરનો માહોલ પણ છે. જેનું કારણ એ છે કે અત્યાર સુધી રસી લગાવ્યા બાદ અનેક લોકોમાં સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી ચૂકી છે. એટલે સુધી કે કેટલાક કેસમાં તો મોત પણ થયા છે. આવામાં અમે તમને વિગતવાર જણાવીએ છીએ કે કયા લોકોએ રસી લેવી જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રસીના ડોઝ ઈન્ટરચેન્જ ન કરો
હાલ દેશમાં 2 રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. ભારત બાયોટેકની કોવેક્સીન અને સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ. ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કેટલીક ગાઈડલાઈન બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે કયા લોકોએ રસી લેવી જોઈએ નહીં. આ સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે રસીનો ડોઝ ઈન્ટરચેન્જ કરી શકાય નહીં, એટલે કે રસીનો પહેલો ડોઝ અને બીજો ડોઝ એક સરખો હોવો જોઈએ પછી તે કોવિશીલ્ડનો હોય કે કોવેક્સીન. 


કોણે ન લેવી જોઈએ રસી?
1. 18 વર્ષથી નાની ઉંમરના કોઈ પણ વ્યક્તિએ રસી લેવી જોઈએ નહીં. 
2. ગર્ભવતી મહિલાઓ અને બાળકોને સ્તનપાન કરાવતી મહિલાઓ પણ કોરોના રસી ન લેવી જોઈએ. તેનું કારણ એ છે કે ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ (Pregnant ladies and lactating women) ને હજુ સુધી વેક્સીન ટ્રાયલમાં સામેલ કરવામાં આવ્યા નથી. આથી એ વાતની સ્પષ્ટ જાણકારી મળી નથી કે રસીનો ગર્ભવતી મહિલાઓ પર શું પ્રભાવ હોઈ શકે છે. 
3. ટ્રાયલમાં સામેલ કોઈ પણ વ્યક્તિને કોવિડ-19 રસીના  કારણે એલર્જી થઈ હોય કે પછી પહેલો ડોઝ લીધા બાદ કોઈ વ્યક્તિમાં કોઈ એલર્જિક રિએક્શન જોવા મળ્યું હોય તો આવા લોકોએ પણ રસી લેવી જોઈએ નહીં. 
4. જે લોકોમાં કોવિડ-19ના સક્રિય લક્ષણો (Active symptoms od covid) જોવા મળી રહ્યા હોય તેમણે પણ સંક્રમણથી સંપૂર્ણ રીતે બહાર આવ્યાના 4થી 8 અઠવાડિયા બાદ જ રસી લેવી જોઈએ. 
5. જો કોઈ વ્યક્તિને તાવ, બ્લિડિંગ ડિસઓર્ડર એટલે કે લોહી સંબંધિત બીમારી કે પછી કોઈ દર્દી બ્લ્ડ થિનર એટલે કે લોહી પાતળું કરવાની દવા લેતો હોય તો તેણે પણ કોરોનાની રસી લેવી જોઈએ નહીં. 
6. કોરોના વાયરસથી પીડિત જે દર્દીઓની સારવાર પ્લાઝમા થેરેપી (Plasma therapy) કે એન્ટીબોડીઝની મદદથી થઈ રહી હોય એવા દર્દીઓએ પણ રિકવર થયાના 4થી 8 અઠવાડિયા બાદ જ કોરોનાની રસી લેવી જોઈએ, તે પહેલા નહીં. 
7. જે લોકોને લો પ્લેટલેટ્સની બીમારી હોય કે પછી જેમની ઈમ્યુન સિસ્ટમ ખુબ જ નબળી  (Immunocompromised) થઈ ગઈ હોય અને તે માટે દવા લેતા હોય તેમણે પણ હાલ કોરોનાની રસી લેવી જોઈએ નહીં. 


રસીના કોમન સાઈડ ઈફેક્ટ્સ
આ સાથે જ હેલ્થ એક્સપર્ટ્સ એવી સલાહ પણ આપી રહ્યા છે કે કોઈ પણ રસી લેતા પહેલા પોતાના ડોક્ટર સાથે જરૂર વાત કરો. જો તમને તાવ હોય, એલર્જી સમસ્યા હોય, કોઈ પ્રકારની ગંભીર બીમારી હોય તો તમારે હાલ રસી લેવી કે નહીં તે અંગે ડોક્ટર સાથે જરૂર વાત કરો. ઈન્જેક્શનવાળી જગ્યાએ દુખાવો, હળવો તાવ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, થાક જેવી સાઈડ ઈફેક્ટ સામાન્ય રીતે રસી લીધા બાદ જોવા મળતી હોય છે. 


( ખાસ નોંધ- કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા હંમેશા કોઈ વિશેષજ્ઞ કે ચિકિત્સક સાથે ચર્ચા વિચારણા કરો. ઝી મીડિયા આ જાણકારી માટે જવાબદારી હોવાનો દાવો કરતું નથી)