નવરાત્રિ 2019: ત્રીજા નોરતે કરો માતા ચંદ્રઘંટાની આરાધના, આ મંત્રનો અવશ્ય કરો જાપ
આજે આસો નોરતાનો ત્રીજો દિવસ છે. આજના દિવસે માતા ચંદ્રઘંટા એટલે કે દુર્ગામાતાના ત્રીજા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણ મુજબ આ દિવસે આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે.
નવી દિલ્હી: આજે આસો નોરતાનો ત્રીજો દિવસ છે. આજના દિવસે માતા ચંદ્રઘંટા એટલે કે દુર્ગામાતાના ત્રીજા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણ મુજબ આ દિવસે આદ્યશક્તિના ત્રીજા સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે. દેવી ચંદ્રઘંટાના મસ્તક પર રત્નજડિત મુઘટ છે જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે. પોતાના આ અદભૂત મુઘટના કારણે દેવી પોતે ચંદ્રઘંટાના નામે ઓળખાય છે. માતા ચંદ્રઘંટાની પૂજા કરતી વખતે દુર્ગા સપ્તશતીના પાઠના પાંચમા અધ્યાયનું જરૂર પઠન કરવું જોઈએ અને માતાને દૂધનો ભોગ ચઢાવવો જોઈએ. પૂજા બાદ તમે દૂધનું દાન પણ કરી શકો છો. આમ કરવાથી તમામ પ્રકારના દુખોથી મુક્તિ મળે છે. કહેવાય છે કે માતા ચંદ્રઘંટાની સાચા મનથી પૂજા કરવાથી તમામ જન્મોના કષ્ટો અને પાપોથી મુક્તિ મળે છે. માતાની ઉપાસનાથી ભક્તોને ભૌતિક, આત્મિક, આધ્યાત્મિક સુખ શાંતિ મળે છે અને ઘર પરિવારથી નકારાત્મક ઉર્જા એટલે કે કલેશ અને અશાંતિ દૂર થાય છે.
માતાની ઉપાસના માટે આ મંત્રનો જાપ અવશ્ય કરો.
पिण्डजप्रवरारूढ़ा चण्डकोपास्त्रकेर्युता। प्रसादं तनुते मह्यं चंद्रघण्टेति विश्रुता॥
માતા ચંદ્રઘંટાના ત્રીજા દિવસે પૂજા કરવા પાછળ કારણ એ છે કે માતાનો પહેલો અને બીજો અવતાર તો ભગવાન શંકરને પામવા માટે છે, પરંતુ જ્યારે માતા ભગવાન શંકરને પતિ સ્વરૂપે પામી લે છે ત્યારબાદ તે આદ્યશક્તિ સ્વરૂપે આવી જાય છે. દેવી પાર્વતીના જીવનની ત્રીજી સૌથી મોટી ઘટના તરીકે તેમને તેમનું પ્રિય વાહન વાઘ મળે છે. આ જ કારણે માતા વાઘ પર સવાર છે અને ભક્તોને દર્શન આપીને અભય પ્રદાન કરે છે.
માતા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે શ્રદ્ધાળુઓએ લાલ રંગના કપડાં પહેરવા જોઈએ. માતાને સફેદ વસ્તુઓ જેમ કે દૂધથી બનેલી ખીર વગેરેનો ભોગ લગાવવો જોઈએ. આ ઉપરાંત મધ પણ ધરાવી શકાય.
માતાનું સ્વરૂપ
માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ ખુબ જ સુંદર છે અને તેઓ વાઘ પર પ્રસન્ન મુદ્રામાં બિરાજમાન રહે છે. દિવ્ય રૂપધારી માતા ચંદ્રઘંટાની દસ ભૂજાઓ છે અને આ હાથોમાં ઢાલ, તલવાર, ખડગ, ત્રિશુળ, ધનુષ, ચક્ર, પાશ, ગદા અને બાણ ભરેલું તરકશ છે. માતા ચંદ્રઘંટાનું મુખમંડળ શાંત, સાત્વિક, સૌમ્ય પરંતુ સૂર્યના તેજવાળું છે. તેમના મસ્તક પર ઘંટ આકારનો અડધો ચંદ્રમાં સુશોભિત છે. માતાની ઘંટીની જેમ પ્રચંડ ધ્વનિથી અસુરો હંમેશા ભયભીત રહે છે. માતા ચંદ્રઘંટાનું સ્મરણ કરતા સાધકો પોતાનુ મન મણિપુર ચક્રમાં સ્થિર કરે છે.
માતા ચંદ્રઘંટા નાદની દેવી છે. તેમની કૃપાથી સાધક સ્વર વિજ્ઞાનમાં પ્રવીણ થાય છે. માતા ચંદ્રઘંટાની જેના પર કૃપા રહે છે તેનો સ્વર એટલો મધુર રહે છે કે દરેક જણ તેની તરફ ખેંચાઈ આવે છે. માતાની કૃપાથી સાધકને અલૌકિક દિવ્ય દર્શન અને દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. સાધકના બધા પાપ બંધન છૂટી જાય છે. પ્રેત બાધા જેવી સમસ્યાઓથી પણ માતા સાધકની રક્ષા કરે છે. યોગ સાધનાની સફળતા માટે માતા ચંદ્રઘંટાની ઉપાસના ખુબ અસરકારક હોય છે.