નાપાક હરકતોથી બરબાદી નોતરી પાકિસ્તાને, PMએ ત્રણેય સેનાને આક્રમક કાર્યવાહી માટે આપી `ખુલ્લી છૂટ`
પાકિસ્તાને બુધવારે જે નાપાક હરકત કરી તેને ભારતે ખુબ જ ગંભીરતાથી લીધી છે. દિવસભર ઘટનાક્રમ ખુબ ઝડપથી બદલાતો જોવા મળ્યો હતો. ગરમાગરમી વચ્ચે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેના પ્રમુખો સાથે ખુબ જ મહત્વની બેઠક યોજી.
નવી દિલ્હી: પાકિસ્તાને બુધવારે જે નાપાક હરકત કરી તેને ભારતે ખુબ જ ગંભીરતાથી લીધી છે. દિવસભર ઘટનાક્રમ ખુબ ઝડપથી બદલાતો જોવા મળ્યો હતો. ગરમાગરમી વચ્ચે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેના પ્રમુખો સાથે ખુબ જ મહત્વની બેઠક યોજી. બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલ અને ઈન્ટેલિજન્સ એજન્સીના પ્રમુખ પણ હાજર હતાં. પુલવામા આતંકી હુમલા બાદ વડાપ્રધાને સેનાને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ખુલ્લી છૂટ આપી દીધી હતી. પરંતુ આ વખતે પાકિસ્તાનની આ હરકત પર વધુ આક્રમક જવાબ મળી શકે છે. પીએમની બેઠક બાદ અધિકૃત સૂત્રો દ્વારા સ્પષ્ટ સંકેત અપાયા છે કે પાકિસ્તાનને આ વખતે જે જવાબ મળશે તે તેણે સપને પણ વિચાર્યું નહીં હોય.
નવી દિલ્હીમાં મોડી સાંજે પીએમ મોદીના 7, લોકકલ્યાણ માર્ગ ખાતે આવેલા નિવાસસ્થાને હાઈલેવલની મિટિંગ મળી હતી. આ બેઠકમાં પાકિસ્તાનના કબ્જામાં રહેલા ભારતીય પાઈલટ અંગે અને ભારતની આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાંજની આ બેઠક લગભગ 1 કલાક અને 20 મિનિટ સુધી ચાલી હતી. પીએમ મોદીએ પાકિસ્તાનની આ હરકત જોતા સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ પાડોશી દેશના દબાણ આગળ ઝૂકશે નહીં. તેમણે સેના પ્રમુખોને પોતાની રીતે હિસાબ પૂરો કરવાની તૈયારી સાથે જવાબ આપવા જણાવ્યું છે. આ માટે સેનાને સંપૂર્ણ છૂટ આપી દેવાઈ છે. સેનાને જણાવી દેવાયું છે કે પાકિસ્તાનના હાડકા ખોખરા કરવા માટે સમય, જગ્યા અને રીત તેઓ નક્કી કરીને પલટવાર કરે
ભારતની પડખે રહી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને કર્યું મોટું કામ, UNSCમાં રજુ થયો 'આ' પ્રસ્તાવ
આ અગાઉ ભારતીય વિદેશ મંત્રાલયે બપોરે પાકિસ્તાનને જણાવ્યું છે કે, અમારા પાઈલટને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચવું ન જોઈએ. ભારતીય પાઈલટને તાત્કાલિક છોડી મુકવાની સાથે ભારતે જણાવ્યું કે, પાકિસ્તાને આ પ્રકારના વીડિયો વાઈરલ કરીને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા અને જીનેવા કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યું છે.
પાકિસ્તાન દ્વારા સાંજે સોશિયલ મીડિયામાં તેણે પકડેલા ભારતીય પાઈલટના કેટલાક વીડિયો અને ફોટોગ્રાફ વાઈરલ કરાયા હતા. ભારતે આ બાબતનો કડક શબ્દોમાં વાંધો ઉઠાવાયો છે અને જણાવાયું છે કે, તે પાકિસ્તાન આ પ્રકારની નાપાક હરકતો કરવાનું બંધ કરી દે. આમ કરીને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
અત્રે જણાવવાનું કે મંગળવારે ભારતની આતંકીઓના ઠેકાણા પરની એર સ્ટ્રાઈક કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સમાં ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું હતું. તોડી પાડ્યા બાદ આ વિમાન પીઓકેના વિસ્તારમાં જઇ પડ્યું હતું. તે વિમાનમાંથી પેરાશૂટથી એક પાયલોટને ઉતરતા પણ જોવા મળ્યો હતો. આ અંગે એરવાઈસ માર્શલ આર.જે.કે. કપૂરે પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી.
જો કે આ સાથે આપણું પણ એક મિગ વિમાન તૂટી પડ્યું અને પાકિસ્તાને તેના પાઈલટ અભિનંદનને પોતાના કબ્જામાં લીધો છે. ભારત પાઈલટને છોડાવવા માટે પ્રયત્નોમાં છે અને પાઈલટ મુદ્દે ભારતે આક્રમક વલણ પણ અપનાવ્યું છે. પાકિસ્તાનને ચેતવણી આપી છે કે ભારતીય પાઈલટને કઈ પણ થવું જોઈએ નહીં.