શ્રીનગર: ઉત્તર કાશ્મીરના અનેક વિસ્તારોમાં મંગળવારે આવેલા બરફના ભયંકર તોફાનમાં અનેક ભારતીય સેનાના 3 જવાનો સપડાયા હોવાના અહેવાલ છે. કાશ્મીરના કૂપવાડા અને બાંદીપોરા જિલ્લામાં થયેલા હિમસ્ખલનની અલગ અલગ ઘટનાઓમાં જવાનો લાપત્તા થયા છે. લાપત્તા જવાનોની શોધમાં સેનાની એઆરટીને લગાવવામાં આવી છે. કૂપવાડામાં બરફના તોફાનમાં સેનાની પોસ્ટ ચપેટમાં આવી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ મંગળવારે હિમસ્ખલનની બે ઘટનાઓ બાંદીપોરા અને ગુરેજ સેક્ટર તથા કૂપવાડા જિલ્લાના તંગધાર સેક્ટરમાં ઘટી છે. આ બંને વિસ્તારો ઉત્તર કાશ્મીર હેઠળ આવે છે. 18 હજાર ફૂટથી વધુ ઊંચાઈ પર થયેલા  હિમસ્ખલનમાં 3 જવાનો લાપત્તા થયા હોવાનું જાણવા મળે છે. જવાનોની શોધમાં સેનાએ એવલાન્ચ રેસ્ક્યુ ટીમ અને સેનાના હેલિકોપ્ટરોને લગાવ્યાં છે. જો કે હજુ સુધી સેનાએ આ ઓપરેશન અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. 



અત્રે જણાવવાનું કે હાલમાં જ સિયાચીન ગ્લેશિયરમાં થયેલી અલગ અલગ હિમસ્ખલનની ઘટનાઓમાં અનેક જવાનોએ પોતાના જીવ ગુમાવ્યાં હતાં. સિયાચીનને દુનિયાના સૌથી ઊંચા યુદ્ધ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ત્રણ દિવસ પહેલા જ સિયાચીનના દક્ષિણ વિસ્તારમાં થયેલા હિમસ્ખલનમાં બે જવાનો શહીદ થયા હતાં. આ અગાઉ 18 નવેમ્બરના રોજ સિયાચીન ગ્લેશિયરમાં થયેલા ભીષણ હિમસ્ખલનમાં ભારતીય સેનાના 4 જવાનો શહીદ થયા હતાં અને 2 પોર્ટરોના મોત થયા હતાં.