VIDEO : ઉત્તર ભારતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ, મનાલીમાં પર્યટકો ફસાયા
ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાને રંગ બદલવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી-એનસીઆરમાં ઘણા સ્થળો પર સામાન્ય વરસાદ થઇ રહ્યો છે અથવા પછી ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાઇ રહ્યો છે. દિલ્હી સરકારે હવામાનને જોતાં એડવાઇઝરી જાહેર કરી છે.
નવી દિલ્હી: ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાને રંગ બદલવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી-એનસીઆરમાં ઘણા સ્થળો પર સામાન્ય વરસાદ થઇ રહ્યો છે અથવા પછી ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાઇ રહ્યો છે. દિલ્હી સરકારે હવામાનને જોતાં એડવાઇઝરી જાહેર કરી છે. રાજસ્થાનમાં પણ ઘણા સ્થળો પર આકાશમાં ધૂળની ડમરીઓ છવાઇ ગઇ છે. જોકે હવાનું દબાણ ઓછું થતાં હવામાનનું જોર નબળું પડી રહ્યું છે. બીજી તરફ પહાડી વિસ્તારોમાં ઉંચાઇવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે. રોહતાંગ દર્રેમાં બરફમાં ફસાયેલા 5 પર્યટકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
રવિવારે સાંજે હરિયાણાના હિસાર, જીંદ, રોહતક, ભિવાની અને નારનૌલમાં ધૂળ સાથે જોરદાર પવન ફૂંકાયો હતો. ઘણા સ્થળો પર સામાન્યથી માંડીને ભારે વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે 24 કલાક સુધી આવી સ્થિતિ બની રહેશે. રાજસ્થાનના ઘણા ભાગોમાં ધૂળના વાદળ છવાઇ ગયા છે. હવામાનના બદલતા મૂડને જોતાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઘણા સ્થળો પર વરસાદ થઇ રહ્યો છે.
હિમાચલ પ્રદેશમાં ઉંચાઇવાળા વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે. હિમાચલના રોહતાંગ દર્રેમાં હિમવર્ષામાં 5 પર્યટકો ફસાઇ ગયા. સ્થાનિક પોલીસ અને બીઆરઓની મદદથી તેમને ત્યાંથી કાઢવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશ સરકારે ઉંચાઇવાળા વિસ્તારમાં લોકોને ઘરની બહાર ન નિકળવાની અપીલ કરી છે.
ઓડિશામાં એક વ્યક્તિનું મોત
ઉત્તરાખંડના દેહરાદૂનમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ અને તોફાન સાથે કરા પડવાની આશંકા છે. રાજ્ય વહિવટીતંત્રએ એલર્ટ જાહેર કરતાં બધી સ્કૂલો અને આંગણવાડી કેંદ્રોને મંગળવાર સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. હરિદ્વારમાં પણ સ્કૂલો બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. હરિયાણામાં પહેલાંથી જ સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. યૂપીમાં પણ ઘણા જિલ્લાઓમાં વહિવટીતંત્રએ મંગળવારે સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી છે. ઓડિશામાં તોફાનને લીધે એક વ્યક્તિનું મોત તથા 9 લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર મળ્યા છે. મોટાપાયે સંપત્તિને નુકસાન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
રાજસ્થાનના બિકાનેર, શ્રીગંગાનગર સહિત ઘણા જિલ્લાઓને ધૂળની ડમરીએ પોતાની લપેટ લીધા હતા. કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. સીકર અને ઝુંઝનમાં ધૂળ સાથે ભારે પવન ફૂંકાયો હતો. આંધીના કારણે આપૂર્તિ ઠપ્પ થઇ ગઇ છે. બીજી તરફ સરકારે એલર્ટ જાહેર કરતાં લોકોને સલાહ આપી છે કે હવામાન ખરાબ હોવાથી ઘરની બહાર ન નિકળે. સરકારે સાંજ અને સવારની પાળીમાં ચાલનાર સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે લોકોને અપીલ કરી છે કે ખૂબ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર નિકળે અને હવામાન ખરાબ હોવાથી કોઇ ઝાડ અથવા હોર્ડિંગ નીચે ન ઉભા રહે. સરકારે સ્થિતિનો સામનો કરવા માટે વહિવટીતંત્રને એલર્ટ આપી દીધું છે.