નવી દિલ્હી : ભારતમાં હૃદયની બીમારીને કારણે થનારા મૃત્યુની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ડાયાબિટીસ, હાઇ બીપી, હાઇ કોલેસ્ટેરોલ, સ્મોકિંગ તેમજ આનુવંશિક કારણોથી હૃદયની બીમારી થવાની વધારે સંભાવના હોય છે. આ સંજોગોમાં નવી દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ રાજીવ રાજપૂતે દિલને બીમારીઓથી સુરક્ષિત રાખવા માટે સાત ટિપ્સ આપી છે. આ ટિપ્સનું પાલન કરીને તમે કાયમ માટે હૃદયની બીમારીઓને દૂર રાખી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોષ્ટિક આહાર : સંતુલિત અને પોષ્ટિક આહારનું સેવન કરવાથી શરીરને યોગ્ય પોષણ મળે છે. જંક ફૂડમાં મોટા પ્રમાણમાં ફેટ, મીઠું અને ખાંડ હોય છે જે સમયની સાથે હૃદયને બીમાર બનાવી દે છે. જે લોકો વિચાર કર્યા વગર પ્રોસેસ્ડ ફૂડનું સેવન કરે છે તેને હૃદયરોગ થવાની શક્યતા વધારે હોય છે. આપણા આહારમાં પર્યાપ્ત પ્રમાણમાં કેલરી, પ્રોટીન, વિટામીન, મિનરલ અને લો સેચુરેટેડ ફેટ હોવી જોઈએ. 


ગતિહીન જીવનશૈલીને અલવિદા : જે લોકો નિયમીત રીતે એક્સરસાઇઝ નથી કરતા તેમને આ સમસ્યા થવાની શક્યતા વધારે છે. વ્યાયામની કમી કોઈપણ વ્યક્તિ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એ સ્થુળતાને જન્મ આપે છે જેના કારણે વ્યક્તિ ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને હૃદયને લગતી બીમારીનો ભોગ બને છે. 


શારીરિક સક્રિયતા : વ્યાયામ હૃદયને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપે છે. કાર્ડિયો એક્સરસાઇઝથી  હૃદયની પંપ કરવાની ક્ષમતા મજબૂત બને છે અને હાર્ટના સ્નાયુ મજબૂત બને છે. આના કારણે શરીરમાં બેડ કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટે છે અને બ્લડસુગર નિયંત્રીત થાય છે. 


ટેન્શનથી બચો : ટેન્શન આજે તમામ લોકોના જીવનનો હિસ્સો બની ગયું છે. જો તમે ટેન્શનમાં હો તો એની અસર શરીરના દરેક અંગ પર પડે છે. ટેન્શનને કારણે શરીરમાં એડ્રિ્નાલીન હોર્મોન વધારે પ્રમાણમાં બને છે અને જો નિયમિત રીતે આવું થાય તો દિલના રોગો થવાની સંભાવના વધી જાય છે. 


ગાઢ નિંદર : સમયની કમીને કારણે મોટાભાગના લોકો નિંદરના સમયમાં કાપ મુકે છે. આ વલણ હાર્ટ માટે ખતરનાક છે. 7-8 કલાકથી ઓછી નિંદર લેવાથી હૃદયને લગતી બીમારીની સંભાવના વધી જાય છે. 


ન કરો ધુમ્રપાન અને શરાબ સેવન : ધુમ્રપાન અને શરાબનું સેવન સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. વિકાસશીલ દેશોમાં હાલમાં સ્મોકિંગનું ચલણ વધી રહ્યું છે. જો તમારી આસપાસ કોઈ સ્મોકિંગ કરતું હોય તો પણ તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ધુમ્રપાન છોડવા માટે પરિવાર અને મિત્રોના સપોર્ટની જરૂર હોય છે. આ આદત છોડવા માટે નિકોટીન પેચ અથવા તો ઇ-સિગારેટનો ઉપયોગ કરી શકાય છે.


નિયમિત સ્વાસ્થ્યની તપાસ : નિયમિત રીતે સ્વાસ્થ્યની તપાસ કરાવવાથી હૃદયની બીમારીના ખતરાથી બચી શકાય છે કારણ કે નિયમિત તપાસથી કોઈ સમસ્યા હોય તો એનું સમયસર નિદાન થઈ શકે છે. તમે નિયમિત રીતે સ્વાસ્થ્યની તપાસ કરીને એને મોનિટર કરી શકો છો. 


હેલ્થને લગતા આર્ટિકલ જાણવા માટે કરો ક્લિક...