નવી દિલ્હી: ચાર મહિના પહેલા ઉત્તરખંડના મુખ્યમંત્રી બનેલા તીરથ સિંહ રાવતે શુક્રવારે રાતે પોતાના પદેથી રાજીનામું આપી દીધુ. વાત જાણે એમ છે કે સીએમ પદની શપથ લેતી વખતે તીરથ સિંહ રાવત વિધાનસભાના સભ્ય નહતા. છ મહિનાની અંદર તેમણે વિધાયક બનવું જરૂરી હતું. કોરોનાના કારણે રાજ્યમાં પેટાચૂંટણી થઈ શકે તેમ નથી. આ 'બંધારણીય સંકટ' ને તીરથ સિંહે પોતાના રાજીનામાનું કારણ જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તીરથ સિંહ રાવતનું આ 'સંકટ' પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી માટે પણ માથાનો દુ:ખાવો બની શકે છે. તીરથ સિંહની જેમ મમતા બેનર્જી પણ રાજ્યની વિધાનસભાના સભ્ય નથી. કોવિડના કારણે બંગાળમાં જો આગામી કેટલાક મહિનાઓમાં પેટાચૂંટણી ન થઈ તો મમતા બેનર્જી સામે પણ તીરથ સિંહ રાવત જેવું બંધારણીય સંકટ ઊભું થઈ શકે છે. 


વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય ન હોય તેવા કોઈ મુખ્યમંત્રી કે મંત્રી પદ પર છ મહિના સુધી જ રહી શકે છે. ભારતીય બંધારણની કમલ 164(4) કહે છે કે મુખ્યમંત્રી કે મંત્રી જો છ મહિનાની અંદર રાજ્યના વિધાનમંડળનો સભ્ય ન હોય તો તે મંત્રીના પદનો કાર્યકાળ છ મહિના સમાપ્ત થતા જ પૂરો થઈ જશે. 


ઉત્તરાખંડમાં હવે 8 મહિના જ બાકી કાર્યકાળના
તીરથ સિંહ રાવત 10 માર્ચ 2021ના રોજ મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ રાજ્યની વિધાનસભાના સભ્ય નથી. તેમણે બરાબર 6 મહિના એટલે કે 10 સપ્ટેમ્બર 2021 પહેલા વિધાયક તરીકે ચૂંટાઈ આવવાનું હતું. રાજ્યમાં બે વિધાનસભા સીટ બાકી પણ છે. પરંતુ કોરોના સંકટના કારણે તેના પર પેટાચૂંટણી થાય તેવી શક્યતા જોવા મળતી નથી. આમ પણ રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ હવે માત્ર 8 મહિના જેટલો જ બચ્યો છે. 


તાજેતરમાં કોરોના સંકટ વચ્ચે દેશના પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજવા બદલ ચૂંટણી પંચની ખુબ ટીકા થઈ હતી. મદ્રાસ હાઈકોર્ટે તો ચૂંટણી પંચને બીજી લહેર માટે જવાબદાર ગણીને ઓફિસરો પર હત્યાનો ચાર્જ લગાવવા સુદ્ધાની વાત કરી હતી. આવામાં જ્યારે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ જણાવવામાં આવી રહ્યું છે તો ચૂંટણી પંચ પેટાચૂંટણીનું જોખમ ઉઠાવે તેવું લાગતું નથી. દેશમાં લગભગ બે ડઝન વિધાનસભા બેઠકો અને કેટલીક સંસદીય સીટો પર ચૂંટણી મહામારીના કારણે પેન્ડિંગ છે. 


પશ્ચિમ બંગાળમાં પણ ઉત્તરાખંડ જેવી સ્થિતિ
પશ્ચિમ બંગાળની ચૂંટણી જીત્યા બાદ મમતા  બેનર્જીએ 4 મે 2021ના રોજ ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ પોતે નંદીગ્રામ ચૂંટણી હારવાના કારણે રાજ્ય વિધાનમંડળના સભ્ય નથી. આવામાં તેમણે કલમ 164 હેઠળ છ મહિનાની અંદર એટલે કે 4 નવેમ્બર 2021 સુધીમાં વિધાનસભાના સભ્ય બનવું જરૂરી છે અને તે બંધારણીય જરૂરિયાત પણ છે. 


જો કે પશ્ચિમ બંગાળમાં ભવાની પુર વિધાનસભા બેઠક ખાલી પડી છે, પરંતુ મમતા બેનર્જી વિધાનસભાના સભ્ય ત્યારે જ બની શકશે જ્યારે નિર્ધારિત સમયગાળાની અંદર ચૂંટણી યોજવામાં આવે. હાલના સમયમાં કોરોના સંકટના કારણે ચૂંટણી પંચ જો પેટાચૂંટણી ન કરાવી શકે તો 4 નવેમ્બરના રોજ તીરથ સિંહ રાવતની જેમ મમતા બેનર્જીએ પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડી શકે છે. 


Uttarakhand: CM Tirath Singh Rawat એ કેમ પદ છોડવું પડ્યું? જાણો રાજીનામાની ઈનસાઈડ સ્ટોરી


તીરથ સિંહ પહેલા એમપીના બે મંત્રીઓની ગઈ હતી ખુરશી
પહેલા એવી વ્યવસ્થા હતી કે એકવાર પદથી હટી ગયા બાદ આવા નેતા ફરીથી મંત્રીપદની શપથ લઈને છ મહિનાની પોતાની છૂટને એક વર્ષ વધારી લેતા હતા. પંજાબમાં નેતા તેજપ્રકાશ સિંહને 1995માં મંત્રી તરીકે નિયુક્ત કરાયા હતા. તે સમયે તેઓ રાજ્યના કોઈ પણ સદનના સભ્ય નહતા. આવામાં છ મહિનાનો કાર્યાકળ પૂરો થયા બાદ તેમણે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હુતં અને 1996માં રાજ્ય વિધાનસભા માટે ચૂંટાયા વગર તેઓ ફરીથી મંત્રી તરીકે પંસદ કરાયા. પરંતુ ત્યારબાદ ઓગસ્ટ 2001માં સુપ્રીમ કોર્ટે તેને ખોટું ગણાવતા તેના પર રોક લગાવી હતી. 


આ જ કારણ છે કે તીરથ સિંહ રાવતની જેમ જ ગત વર્ષે મધ્ય પ્રદેશના બે કેબિનેટ મંત્રીઓ તુલસીરામ સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂતને છ મહિનામાં રાજ્ય વિધાનસભાના સભ્ય ન બનવાના કારણે મંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ નવેમ્બરમાં પેટાચૂંટણી જીત્યા પછી તેમને ફરીથી મંત્રી બનાવાયા. 


ચૂંટણી માટે જોઈએ ઓછામાં ઓછા 28 દિવસનો સમય
પાંચ દાયકા સુધી ચૂંટણી પંચના કાનૂની સલાહકાર તરીકે કામ કરનારા એસ કે મન્દીરત્તાએ એક વેબસાઈટ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે પંચને નોટિફિકેશન બાદ ચૂંટણી કરાવવા માટે ફક્ત 28 દિવસની જરૂર હોય છે. જેને લઈને જો બંગાળમાં પેટાચૂંટમી કરાવવાની હોય તો પંચે ઓક્ટોબરની શરૂઆતમાં જ તે માટે નોટિફિકેશન બહાર પાડવું પડશે. હજુ તેમાં 3 મહિના જેટલો સમય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube