આજે ગુરુપુર્ણિમા, કેમ આજના દિવસે જ કરાય છે ઉજવણી? ખાસ કરો આ મંત્રનો જાપ
અષાઢ સુદ પુનમના દિવસને ગુરુપુર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મના અન્ય તહેવારોની સરખામણીમાં આ પર્વનું વધુ મહત્વ છે.
અમદાવાદ: અષાઢ સુદ પુનમના દિવસને ગુરુપુર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મના અન્ય તહેવારોની સરખામણીમાં આ પર્વનું વધુ મહત્વ છે. આ અંગે કહેવાયું છે કે તમામ વ્રતો, પર્વો, તહેવારોનો લાભ ત્યારે જ ઉઠાવી શકાય છે જ્યારે સદગુરુ તેમની ઉપયોગિતા અને આવશ્યકતા લોકોને અનુભવ કરાવે. ઋષિ મુનિઓએ પણ ભારપૂર્વક કહ્યું છે કે આધ્યાત્મિક અને આત્મિક ઉન્નતિ માટે ગુરુની સહાયતા ખુબ જરૂરી છે. તેના વગર આત્મ કલ્યાણના દ્વાર ખુલી શકતા નથી. સામાન્ય રીતે જીવનમાં માતા પિતા અને ગુરુને દેવ ગણવામાં આવ્યાં છે અને તેમનું ખાસ કરીને સન્માન કરવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે.
કેમ અષાઢ સુદ પુનમના દિવસે જ થાય છે ગુરુપુર્ણિમાની ઉજવણી?
અષાઢ સુદ પુનમના દિવસે જ મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. મહર્ષિના સન્માનમાં આજનો દિવસ ગુરુપુર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ભારતવર્ષમાં આમ તો અનેક ગુરુ થઈ ગયા પરંતુ મહર્ષિ વેદ વ્યાસ પ્રથમ વિદ્વાન હતાં, જેમણે સનાતન ધર્મ (હિંદુ ધર્મ)ના ચારેય વેદોની વ્યાખ્યા કરી હતી. સિખ ધર્મ ફક્ત એક જ ઈશ્વર અને પોતાના દસ ગુરુઓની વાણીને જ જીવનનું વાસ્તવિક સત્ય માને છે. આજે જ 27 જુલાઈના રોજ 21મી સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ પણ પડી રહ્યું છે.
ગુરુપુર્ણિમા માટે શુભમુહૂર્ત:
આમ તો ગુરુપુર્ણિમા તિથિ મુજબ તો 26 જુલાઈ 2018ના રોજ રાતે 11.16 વાગે શરૂ થઈ ગઈ અને આજે રાતે 1.50 વાગ્યા સુધી રહેશે. આજના દિવસે સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ સ્વચ્છ પીળા વસ્ત્રો ધારણ કરવા અને ઘરના મંદિરમાં કોઈ પણ ચોકી પર સફેદ કપડું પાથરીને તેના પર 12-12 રેખાઓ બનાવીને વ્યાસ પીઠ બનાવો. ત્યારબાદ આ મંત્રનો જાપ કરો. 'गुरुपरंपरासिद्धयर्थं व्यासपूजां करिष्ये'. પૂજા બાદ પોતાના ગુરુ કે તેમના ફોટાની પૂજા કરો.
અષાઢની પૂર્ણિમાનો અર્થ છે કે ગુરુ તો પુર્ણિમાના ચંદ્રની જેમ છે જે પૂર્ણ પ્રકાશમાન છે અને શિષ્ય અષાઢના વાદળોની જેમ. અષાઢમાં ચંદ્રમા વાદળાથી ઘેરાયેલા રહે છે જે રીતે વાદળા રૂપી શિષ્યોથી ગુરુ ઘેરાયેલા રહે છે. શિષ્ય અનેક પ્રકારના હોઈ શકે છે, જન્મના અંધારા લઈને આવેલા હોય છે, તેઓ અંધારીયા વાદળા જેવા જ હોય છે. તેમાં પણ ગુરુ ચંદ્રની જેમ ચમકી શકે, તે અંધારાથી ઘેરાયેલા વાતાવરણમાં પણ પ્રકાશ ચમકાવી શકે તો જ તે ગુરુ પદની શ્રેષ્ઠતા છે. આથી જ અષાઢી પુર્ણિમાનું મહત્વ છે. તેમાં ગુરુ તરફ પણ ઈશારો છે અને શિષ્ય તરફ પણ. એ ઈશારો પણ છે કે બંનેનું મિલન જ્યાં હોય ત્યાં જ કોઈ સાર્થકતા છે.
જીવનમાં ગુરુ અને શિક્ષકના મહત્વને આવનારી પેઢીઓ સમક્ષ રજુ કરવા માટે આ પર્વ આદર્શ છે. વ્યાસપુર્ણિમા કે ગુરુપુર્ણિમા અંધવિશ્વાસ નહીં પરંતુ શ્રદ્ધાભાવથી ઉજવવો જોઈએ. ગુરુના આશીર્વાદ બધા માટે કલ્યાણકારી અને જ્ઞાનવર્ધક હોય છે. આથી જ આ દિવસે ગુરુ પૂજન ઉપરાંત ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. સિખ ધર્મમાં આ પર્વનું વધુ મહત્વ છે કારણ કે સિખ ઈતિહાસમાં તેમના દસ ગુરુઓનું ખુબ મહત્વ છે.