સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ આજે, જોવા મળશે બ્લડ મૂન, જાણો બીજી મહત્વની વાતો
21મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ આજે થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ લગભગ 235 મિનિટ સુધી રહેશે. ગ્રહણ સમગ્ર ભારતમાં જોવા મળશે અને તેને કોઈ પણ ઉપકરણ વગર સરળતાથી જોઈ શકાશે.
નવી દિલ્હી: 21મી સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ આજે થવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ લગભગ 235 મિનિટ સુધી રહેશે. ગ્રહણ સમગ્ર ભારતમાં જોવા મળશે અને તેને કોઈ પણ ઉપકરણ વગર સરળતાથી જોઈ શકાશે. સમગ્ર વિશ્વની નજર ગ્રહણ પર છે. ભારતમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. દેશભરના અનેક વિસ્તારોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કહેવાય છે કે ભારતમાં ચંદ્રગ્રહણની અસર રાતે 11.54.2 પર શરૂ થશે અને 28 જુલાઈ વહેલી સવારે 3.54 વાગે સમાપ્ત થશે. આ ચંદ્ર ગ્રહણમાં ચંદ્રમાંનો રંગ લાલ જોવા મળશે. આથી તેને બ્લડ મૂન પણ કહેવાય છે.
ભારતમાં મોડી રાતથી ચંદ્ર ગ્રહણની અસર શરૂ થઈ જશે. ધીરે ધીરે ચંદ્રનો રંગ લાલ થતો જશે અને એક સમય એવો આવશે કે જ્યારે ચંદ્ર પૂરી રીતે ગાયબ થઈ જશે. ભારતીય સમય અનુસાર મોડી રાતે 1.52 પર ચંદ્રગ્રહણ તેના સર્વોચ્ચ સ્તરે હશે. જે પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. ધીરે ધીરે તેની અસર ઓછી થશે. શનિવારે 4 વાગ્યાની આસપાસ અસર પૂરી થશે.
ચંદ્રગ્રહણના કારણે દેશના અનેક મોટા મંદિર બપોર બાદ બંધ થઈ જશે. મંદિરોમાં દિવસમાં જ પૂજા અર્ચના કરવામાં આવશે. મળતી માહિતી મુજબ હરદ્વાર, વારાણસી અને અલાહાબાદમાં સાંજે થનારી ગંગા આરતી પણ બપોરે થશે. ચંદ્ર ગ્રહણના કારણે જ બપોરે એક વાગે ગંગા આરતીનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. દેશના અનેક મોટા મંદિરોમાં બપોરે બે વાગ્યા બાદ દર્શન થઈ શકશે નહીં.
ચંદ્ર ગ્રહણના કારણે બદ્રીનાથ અને કેદારનાથ મંદિરના કપાટ પણ શુક્રવારે બપોરથી શનિવારે સવાર સુધી બંધ રહેશે. ગ્રહણના સૂતક કાળથી પહેલા જ બંને મંદિરોના કપાટ બંધ કરી દેવાશે. બીજા દિવસે એટલે કે શનિવારે સવારે ગ્રહણ પૂરું થયા બાદ નિયમિત પૂજા અર્ચના માટે ફરીથી ખોલવામાં આવશે.
ચંદ્ર ગ્રહણ પાછળ એક માન્યતા પ્રચલિત
હિંદુ ધર્મમાં ગ્રહણને લઈને અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓ છે. ચંદ્ર ગ્રહણ પાછળ પાછળ પણ એક વાર્તા પ્રચલિત છે. કહેવાય છે કે એકવાર રાહુ અને દેવતાઓ વચ્ચે લડાઈ થઈ રહી હતી. દેવતા અને રાક્ષસ બંને અમરત્વ પ્રાપ્ત કરવા માંગતા હતાં અને અમૃત મેળવવા માંગતા હતાં. ત્યારે વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ લીધુ અને રાહુને મોહિત કર્યો તથા તેની પાસેથી અમૃત મેળવી લીધુ. રાહુએ પણ અમૃત મેળવવા માટે દેવતાઓની ચાલ વિચારી અને દેવતાનો વેશ ધારણ કર્યો. અમૃત વહેંચવાની પંક્તિમાં પોતાની રાહ જોવા લાગ્યો. પરંતુ સૂર્ય અને ચંદ્રએ તેને ઓળખી લીધો. વિષ્ણુ ભગવાને રાહુનો માથું વાઢી નાખ્યું અને તે બે ગ્રહોમાં વહેંચાઈ ગયો. રાહુ અને કેતુ. સૂર્ય અને ચંદ્ર ઉપર બદલો લેવા માટે રાહુએ આ બંને પર પોતાની છાયા છોડી જેને આપણે સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ નામે ઓળખીએ છીએ. આથી ગ્રહણકાળને અશુભ અને નકારાત્મક શક્તિઓના શક્તિશાળી થવાનો સમય ગણવામાં આવે છે.
જ્યોતિષ મુજબ ગ્રહણની અસર દરેક જીવ પર પડે છે. આથી આ દરમિયાન શારીરિક અને માનસિક કાર્યોથી બચવાની સલાહ અપાય છે. સનાતની પરંપરામાં દેવદર્શન અને યજ્ઞાદિ કર્મ નિષેધ રખાય છે. આ સાથે આ દરમિયાન ભજન કિર્તન કરવાની સલાહ અપાય છે. સૂતક સમયે ભોજન વગેરે લેવું જોઈએ નહીં અને પાણી પણ ન પીવું. ગ્રહણ પહેલા જ ખાવા પીવાની વસ્તુઓમાં તુલસીના કેટલાક પાંદડા નાખી દેવા. ગ્રહણ બાદ પાણી તરત બદલી નાખવું.