Bharat Bandh: સરકારની નીતિઓના વિરોધમાં આજે અને આવતી કાલે ભારત બંધ, 10 પોઈન્ટમાં જાણો વિગતવાર માહિતી
બંધને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ પોત પોતાના સ્તરે તૈયારીઓ કરી રાખી છે. આ બંધ સંલગ્ન 10 મહત્વની વાતો....જે તમારે જાણવી જરૂરી છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોના જોઈન્ટ ફોરમે આજે અને આવતીકાલે ભારત બંધની જાહેરાત કરી છે. જેમાં બેંક યુનિયન પણ સામેલ રહેશે. બંધને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારોએ પોત પોતાના સ્તરે તૈયારીઓ કરી રાખી છે. આ બંધ સંલગ્ન 10 મહત્વની વાતો....જે તમારે જાણવી જરૂરી છે.
1 શ્રમિકો ખેડૂતો અને સામાન્ય જનતાને પ્રભાવિત કરનારી સરકારી નીતિઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોના એક સંયુક્ત મોરચા દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કરાયું છે. આ દરમિયાન મોટાભાગના કામકાજ પ્રભાવિત રહેશે.
2. ઓલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના મહાસચિવ અમરજીત કૌરે ન્યૂઝ એજન્સી પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે તેમને ભારત બંધમાં 20 કરોડથી વધુ ઔપચારિક અને અનૌપચારિક કર્મચારીઓની ભાગીદારીની આશા છે.
3. બેંક કર્મચારીઓ પણ આ ભારત બંધનો ભાગ રહેશે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણની સરકારની યોજના સાથે સાથે બેંકિંગ કાયદા સંશોધક વિધેયક 2021ના વિરોધમાં બેંક યુનિયન હડતાળમાં ભાગ લઈ રહ્યા છે.
4. ભારતીય સ્ટેટ બેંક સહિત અનેક બેંકોએ નિવેદન બહાર પાડીને ગ્રાહકોને જાણ કરી છે કે સોમવાર અને મંગળવારે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.
5. બેંકો ઉપરાંત સ્ટીલ, તેલ, દૂરસંચાર, કોલસા, પોસ્ટ, આવક, તાંબા, અને વીમા જેવા અન્ય ક્ષેત્રના કર્મચારીઓ પણ હડતાળમાં ભાગ લે તેવી શક્યતા છે. આ સાથે જ રેલવે અને રક્ષા ક્ષેત્ર સંલગ્ન યુનિયનો પણ આ બંધના સમર્થનમાં રસ્તાઓ પર ઉતરી શકે છે. આ સાથે જ રોડવેઝ, પરિવહનના કર્મચારીઓ અને વીજ કર્મચારીઓએ પણ હડતાળમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.
6. પાવર મંત્રાલયે આજે તમામ સરકારી કંપનીઓ અને અન્ય એજન્સીઓને હાઈ અલર્ટ પર રહેવાનું, ચોવીસ કલાક વીજળી આપૂર્તિ અને રાષ્ટ્રીય ગ્રિડની સ્થિતિ સુનિશ્ચિત કરવાનું કહ્યું છે. મંત્રાલય તરફથી એમ પણ કહેવાયું છે કે હોસ્પિટલો, રક્ષા અને રેલવે જેવી જરૂરી સેવાઓની વીજળી આપૂર્તિ સુનિશ્ચિત થવી જોઈએ અને કોઈ પણ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા માટે 24×7 નિયંત્રણ કક્ષ સ્થાપિત થવો જોઈએ.
7. પશ્ચિમ બંગાળ સરકારે કર્મચારીઓને સોમવાર અને મંગળવારે ડ્યૂટી પર હાજર થવા જણાવ્યું છે. ભારત બંધ હોવા છતાં રાજ્ય સરકારના તમામ કાર્યાલય ખુલ્લા રહેશે.
8. પોતાની વિજ્ઞપ્તિમાં બંગાળ સરકારે એમ પણ કહ્યું કે 28 અને 29 માર્ચના રોજ કોઈ પણ કર્મચારી કોઈ આકસ્મિક રજા કે અડધા દિવસની રજા આપવામાં આવશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું કે જો કોઈ કર્મચારી રજા લેશે તો તેને આદેશનો ભંગ ગણવામાં આવશે અને તેની અસર તેના પગાર ઉપર પણ પડશે.
9 ભારતીય મજૂર સંઘે જાહેરાત કરી છે કે તેઓ આ હડતાળમાં સામેલ થશે નહીં. સંઘે કહ્યું કે ભારત બંધ રાજકારણથી પ્રેરિત છે અને તેનો હેતુ ગણતરીના રાજકીય પક્ષોના એજન્ડાને આગળ વધારવાનો છે.
10. અખિલ ભારતીય અસંગઠિત કામગાર અને કર્મચારી કોંગ્રેસે દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું છે. તેમના તરફથી કહેવાયું છે કે કોંગ્રેસ લીડર રાહુલ ગાંધી બંધમાં સામેલ વર્ગોના પક્ષમાં પોતાની વાત રજૂ કરી રહ્યા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube