અહીં હોળી પર જમાઈને ગધેડા પર બેસાડીને આખું ગામ ફેરવવામાં આવે છે, જાણો શાં માટે?
હોળીનો તહેવાર નજીક છે. અનેક પ્રકારની મજાક મસ્તીવાળી પરંપરાઓ સાથે સંકળાયેલો આ તહેવાર દેશના દરેક ભાગમાં હર્ષોલ્લાસથી ઉજવાય છે.
નવી દિલ્હી: હોળીનો તહેવાર નજીક છે. અનેક પ્રકારની મજાક મસ્તીવાળી પરંપરાઓ સાથે સંકળાયેલો આ તહેવાર દેશના દરેક ભાગમાં હર્ષોલ્લાસથી ઉજવાય છે. આ તહેવારને ઉજવવાની જો કે મહારાષ્ટ્રના બીડમાં કઈક અલગ જ પરંપરા છે. બીડ જિલ્લાના એક ગામમાં હોળીના દિવસે જમાઈને ગધેડા પર બેસાડીને રંગ લગાવવાની પરંપરા છે. જેની પાછળની કહાની પણ ખુબ રસપ્રદ છે.
આપણે હંમેશા જોતા હોઈએ છીએ કે કેટલાક લોકો હોળીના તહેવારથી ખુબ દૂર ભાગે છે. મોઢા પર કોઈ રંગ ન લગાવે એટલે ભાગમભાગી કરતા હોય છે. છૂપાઈ જાય છે. અનેકવાર રંગ લગાવવાની કોશિશ કરવામાં આવે તો ઝઘડા પણ થઈ જતા હોય છે. આવું જ કઈક બીડ જિલ્લાના કેજ તહસીલના વીડા યેવતા ગામમાં 80 વર્ષ પહેલા થયું હતું. તે વખતે અહીં રહેતા એક દેશમુખ પરિવારના એક જમાઈએ રંગાવવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારે તેમના સસરાએ તેમને રંગવા માટે ખુબ મનાવવાની કોશિશ કરી હતી. આ માટે તેમણે ફૂલોથી સજાવેલો એક ગધેડો પણ મંગાવ્યો. જેના પર જમાઈને બેસાડ્યો અને સમગ્ર ગામમાં ફેરવ્યો તથા મંદિર સુધી લઈ ગયા.
ત્યાં જઈને જમાઈની આરતી ઉતારી. તેને સોનાની વિટીં આપી અને નવા કપડાં પણ આપ્યા. મોઢું મીઠુ કરાવ્યું અને પછી રંગ લગાવ્યો. ત્યારથી દર વર્ષે આમ થતું આવે છે. ત્યારબાદ તો જાણે આ એક પરંપરા જ બની ગઈ.
હવે આ ગામમાં દર વર્ષે હોળી પહેલા સૌથી નવા જમાઈની શોધ શરૂ થઈ જાય છે. તેની સાથે હોળી પર આ પરંપરા પૂરી કરવામાં આવે છે. અનેકવાર ગામના કેટલાક જમાઈ આ પરંપરાથી બચવા માટે ભાગવા કે છૂપાઈ જવાની કોશિશ પણ કરે છે પરંતુ તેમના પર ચુસ્ત પહેરો રાખવામાં આવે છે અને પરંપરા નિભાવવામાં કોઈ કસર બાકી રખાતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube