પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં રામનગરી છાવણીમાં તબ્દીલ, 24 હજારથી વધુ જવાનો, અધિકારીઓ તૈનાત
સમગ્ર દેશમાં 22 જાન્યુઆરીની રાહ જોવામાં આવી રહી છે. આ દિવસે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. આ સમારોહમાં હજારો વીવીઆઈપી લોકો હાજર રહેવાના છે. આ માટે અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે.
હિતેન વિઠલાણી, અયોધ્યાઃ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલાં અયોધ્યા સુરક્ષાની દ્રષ્ટિએ અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. હજારો જવાનો, કમાન્ડો અને અધિકારીઓ 22મી સુધી ખડે પગે રહેશે. સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની પણ મદદ લેવાઈ છે. ત્યારે શું છે સુરક્ષાની દ્રષ્ટિએ રામનગરીનો માહોલ, જોઈએ આ અહેવાલમાં..
22મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત 10 હજાર જેટલા આમંત્રિતો રામ મંદિરમાં હાજર હશે. જેને જોતાં તંત્ર માટે અયોધ્યાની સુરક્ષા વ્યવસ્થા સૌથી મોટી પ્રાથમિકતા છે.
આમંત્રિતોની સંખ્યા જેટલી વિશાળ છે, શહેરની સુરક્ષાની જાળવણી તેટલી જ પડકારજનક છે. આ જ કારણ છે કે પ્રાણ પ્રતિષ્ઠાના એક સપ્તાહ પહેલાં જ અયોધ્યાને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવાઈ છે. તમે જ્યાં જોશો ત્યાં પોલીસ કર્મીઓ અને કમાન્ડો નજરે પડશે.
આ પણ વાંચોઃ રામનગરી અયોધ્યામાં દિવાળી જેવી રોનક, પ્રાણ પ્રતિષ્ઠા માટેનાં અનુષ્ઠાનનો આરંભ
અયોધ્યાની સુરક્ષા માટે યુપી પોલીસના 13 હજારથી વધુ જવાનો, પેરામિલિટ્રીના 11 હજારથી વધુ જવાનો તેમજ યુપી ATS અને STFના કમાન્ડો તૈનાત કરાયા છે. વીઆઈપીની સુરક્ષા માટે 3 ડીઆઈડી અને 17 એસપી સાથે 230થી વધુ અધિકારીઓ તૈનાત છે... સરયુના કાંઠે NDRF અને SDRFના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો આઈબી અને રૉના અધિકારીઓએ પણ અયોધ્યામાં ડેરા નાંખ્યા છે.
જમીનથી લઈને આકાશ સુધી અને સરયૂ નદીના તટ પર પોલીસની બાજ નજર છે. અન્ય જિલ્લાની પોલીસને પણ અયોધ્યામાં તૈનાત કરવામાં આવી છે.
સમગ્ર અયોધ્યા અત્યારે સીસીટીવી કેમેરાના નેટવર્કના નિરીક્ષણમાં છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને એન્ટી ડ્રોન સિસ્ટમ વડે સુરક્ષા વ્યવસ્થાને ફૂલપ્રૂફ બનાવવામાં આવી છે. ખાનગી ઈમારતો અને મકાનોમાં લગાવેલા 1500 જેટલા સીસીટીવી કેમેરાને પણ ITMS એટલે કે ઈન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડી દેવાયા છે. યલો ઝોનમાં 10 હજાર સ્થળો પર સંદિગ્ધોની ઓળખ માટે AI આધારિત મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે, જે ITMS સાથે જોડાયેલી છે..12 એન્ટી ડ્રોન સિસ્ટમની મદદથી રેડ અને યલો ઝોનને સુરક્ષિત કરવામાં આવ્યા છે. ખાનગી ડ્રોન પર પ્રતિબંધ મૂકાયા છે. મંદિરની આસપાસ 5 કિલોમીટરના વિસ્તારમાં ઉડતા ડ્રોનને શોધીને નિષ્ક્રિય કરી શકાય છે.
આ પણ વાંચોઃ 1967 માં જ નક્કી થઈ ગયું હતું રામ મંદિરની સ્થાપના થવાનું વર્ષ! વાયરલ થઈ ડાક ટિકિટ
એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ અયોધ્યા હાઈટેક શહેરમાં ફેરવાઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube