યુવક અને યુવતી પ્રેમમાં પડે અને લગ્ન કરે એ તો સર્વસામાન્ય છે. આજ કાલ તો લગ્ન પહેલા લિવ ઈનમાં પણ રહેતા જોવા મળે છે. પરંતુ અહીં જે વાત કરી રહ્યા છે તે એક યુવકના 3 યુવતી સાથે લગ્નની વાત છે. મધ્ય પ્રદેશનો સમરથ મૌર્ય છેલ્લા 15 વર્ષથી 3 પ્રેમિકાઓ સાથે લિવ ઈન રિલેશનશીપમાં રહેતો હતો અને હવે લગ્ન કરી લીધા છે. રસપ્રદ વાત એ છે કે લગ્ન પહેલા જ સમરથ મૌર્યના આ ત્રણેય પ્રેમિકાઓથી 6 બાળકો પણ થયેલા છે. સમરથ મૌર્ય અલીરાજપુર જિલ્લામાં નાનપુર ગામનો પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આદિવાસી સમાજમાંથી આવતા સમરથ મૌર્યને અલગ અલગ સમયે ત્રણ યુવતીઓ સાથે પ્રેમ થયો. તે ત્રણેય સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે લગ્ન કરી શકતો નહતો. આ જ કારણે છેલ્લા 15 વર્ષથી તે તેની ત્રણ પ્રેમિકાઓ નાનબાઈ, મેલા અને સકરી સાથે એક જ ઘરમાં લિવ ઈન રિલેશનશીપમાં સુખેથી રહેતો હતો. 


આદિવાસી ભિલાલા સમુદાયમાંથી આવતા સમરથ મૌર્યને સમાજના નિયમો મુજબ લિવ ઈનમાં રહેવાની અને બાળકો પેદા કરવાની છૂટ હતી. ત્રણેય પ્રેમિકાઓ દ્વારા તેને 6 બાળકો પણ થયા. પરંતુ લગ્ન નહતા થયા એટલે સમાજના કોઈ પણ શુભ કાર્યમાં તે ભાગ લઈ શકતો નહતો. આ જ કારણે છેલ્લા 15 વર્ષમાં કોઈ પણ માંગલિક કાર્યમાં તેના પરિવારને આમંત્રણ મળતું નહતું. 


જેથી કંટાળીને સમરથ મૌર્યએ આખરે 15 વર્ષ બાદ ત્રણેય પ્રેમિકાઓ સાથે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું. સાદાઈથી થયેલા લગ્નમાં 6 બાળકો સહિત તેનો પરિવાર અને કુટુંબના અન્ય લોકો પણ સામેલ થયા. બંધારણ મુજબ આદિવાસી સમાજને પોતાના રીતિ રિવાજોનું પાલન કરવાની છૂટ છે. આથી 3 મહિલાઓ સાથે સમરથના એક સાથે લગ્ન ગેરકાયદેસર ગણી શકાય નહીં. લગ્ન થઈ જતા સમરથ ખુબ ખુશખુશાલ છે કારણ કે તે હવે સમાજના માંગલિક કાર્યોમાં ભાગ લઈ શકશે.


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube