ટ્રિપલ તલાક બિલ આજે રાજ્યસભામાં રજુ થશે, ભાજપે સાંસદોને વ્હિપ જારી કર્યું
સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે શુક્રવારે એટલે કે આ જે સરકાર રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ રજુ કરશે.
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે શુક્રવારે એટલે કે આ જે સરકાર રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ રજુ કરશે. આ માટે ભાજપે પોતાના તમામ સાંસદોને સદનમાં હાજર રહેવા અંગે વ્હિપ જારી કર્યું છે. જેના કારણે આ બિલને સંસદમાં મંજૂરી મળવાની પૂરેપૂરી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે રાજ્યસભામાં હોબાળાના અણસાર છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકારે આ મામલે વિપક્ષના સલાહ સૂચન લીધા નથી. જ્યારે વિપક્ષ રાફેલ ડીલને લઈને સંદનમાં હોબાળો કરી શકે છે.
આ અગાઉ ગુરુવારે સરકારે મુસ્લિમોમાં ટ્રિપલ તલાક સંબંધિત પ્રસ્તાવિત કાયદામાં આરોપીને સુનાવણી પહેલા જામીન જેવા કેટલાક સંરક્ષણાત્મક જોગવાઈઓને મંજૂરી આપી હતી. સરકારના આ પગલાથી એ ચિંતાઓને દૂર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે ટ્રિપલ તલાકની પરંપરાને ગેરકાયદેસર જાહેર કરવાની અને પતિને ત્રણ વર્ષ સુધી સજા આપનારા આ પ્રસ્તાવિત કાયદાનો દૂરઉપયોગ થઈ શકે છે.
ત્રિપલ તલાક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી, ગુનો બિનજામીનપાત્ર
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે મુસ્લિમ વિવાહ મહિલા અધિકાર સંરક્ષણ વિધેયકમાં ત્રણ સંશોધનોને મંજૂરી આપી છે. આ વિધેયકને લોકસભામાં મંજૂરી અપાઈ ચૂકી છે અને તે રાજ્યસભામાં પેન્ડિંગ છે. પ્રસ્તાવિત કાયદો બિનજામીનપાત્ર રહેશે. પરંતુ આરોપી જામીન માંગવા માટે સુનાવણી પહેલા પણ મેજિસ્ટ્રેટને ગુહાર લગાવી શકે છે. બિનજામીનપાત્ર કાયદા હેઠળ જામીન પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં અપાઈ શકશે નહીં.
પ્રસાદે કહ્યું કે આ જોગવાઈ એટલા માટે રાખવામાં આવી છે કારણ કે મેજિસ્ટ્રેટ 'પત્નીની વાત સાંભળ્યા બાદ' જામીન આપી શકે. તેમણે સ્પષ્ટ કર્યું કે પરંતુ 'પ્રસ્તાવિત કાયદામાં ટ્રિપલ તલાકનો અપરાધ બિનજામીનપાત્ર રહેશે.'
સૂત્રોએ બાદમાં કહ્યું કે મેજિસ્ટ્રેટ એ સુનિશ્ચિત કરશે કે જામીન ફક્ત ત્યારે જ આપવામાં આવે જ્યારે પતિ વિધેયક મુજબ પત્નીને વળતર આપવા માટે સહમત થાય. વિધેયક મુજબ વળતરની રાશિ મેજિસ્ટ્રેટ દ્વારા નક્કી કરવામાં આવશે. એક અન્ય સંશોધન સ્પષ્ટ કરે છે કે પોલીસ ફક્ત ત્યારે જ એફઆઈઆર દાખલ કરી શકશે જ્યારે પીડિત પત્ની, તેના કોઈ નજીકના સંબંધી કે લગ્ન બાદ તેના સંબધી બેનેલા કોઈ વ્યક્તિ દ્વારા પોલીસ પાસે ગુહાર લગાવવામાં આવે.