ટ્વિટરે રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી કરી, શેર કરી હતી દુષ્કર્મ પીડિતાના માતા-પિતાની તસવીર
દિલ્હીમાં સગીર સાથે કથિત દુષ્કર્મની ઘટના બાદ હાલમાં રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ પોતાની એક તસવીર ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી.
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના જે ટ્વીટને લઈને હંગામો શરૂ થયો હતો, હવે તે ટ્વીટ પર ટ્વિટરે કાર્યવાહી કરી છે. હકીકતમાં દિલ્હીમાં સગીર સાથે કથિત દુષ્કર્મની ઘટના બાદ હાલમાં રાહુલ ગાંધીએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાહુલ ગાંધીએ પોતાની એક તસવીર ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી. આ તસવીરમાં કોંગ્રેસ નેતાની સાથે પીડિતાના માતા-પિતા જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આરોપ લાગ્યો કે તેણે બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરી છે. આ મામલામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા સંરક્ષણ પંચે ટ્વિટરને ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ વિરુદ્ધ કાર્યવાહી કરે.
ત્યારબાદ હવે ટ્વિટરે રાહુલ ગાંધીના આ વિવાદિત ટ્વીટને હટાવી દીધું છે જેમાં પીડિતાના માતા-પિતાનો ચહેરો જોવા મળી રહ્યો હતો. પંચે રાહુલ ગાંધીના ટ્વીટ પર કાર્યવાહી કરવાના સંબંધિત જે પત્ર ટ્વિટરને લખ્યો હતો તેમાં કહ્યું હતું કે કોઈપણ સગીર પીડિતાના પરિવારની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરવી કિશોર ન્યાય કાયદા, 2015ની કલમ 74 અને બાળ યૌન અપરાધ નિવારણ કાયદો (પોક્સો) ની કલમ 23નું ઉલ્લંઘન છે.
દેશમાં કોરોના સામેની જંગમાં મહત્વનો પડાવ પાર, રસીકરણનો આંકડો 50 કરોડ ઉપર પહોંચ્યો
તમને જણાવી દઈએ કે દિલ્હીના એક વિસ્તારમાં સગીર યુવતીની સાથે કથિત રેપ બાદ હત્યાની ઘટના સામે આવ્યા બાદ 4 ઓગસ્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. પીડિત પરિવાર આ ઘટનાને લઈને પ્રદર્શન કરી રહ્યો હતો અને ત્યાં ખુબ ભીડ હોવાને કારણે રાહુલ ગાંધીએ પરિવારજનો સાથે પોતાની ગાડીમાં મુલાકાત કરી હતી. આ ઘટનાને લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેને શરમજનક ઘટના ગણાવી હતી. અરવિંદ કેજરીવાલે પણ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી હતી. દિલ્હી સરકારે પીડિત પરિવારજનોને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની પણ જાહેરાત કરી છે.
આ મામલામાં પીડિત પરિવારનો આરોપ છે કે માસૂમ બાળકીની સાથે કથિત રેપ બાદ હત્યા કરી પરિવારજનોને જાણ કર્યા વગર અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. પોલીસે માતાના નિવેદનના આધાર પર પોસ્કો એક્ટ, એસસી-એસટી એક્ટ અને અન્ય પ્રાસંગિક કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. પોલીસે સ્મશાન ઘાટના પુજારાની પણ ધરપકડ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube