જો તમારા બાળકો પણ રમતા હોય આ રમત તો સાવધાન! બે બાળકોનાં ગયા જીવ
ઉત્તરપ્રદેશનાં બિજનોરમાં રમી રહેલા બે બાળકો પટારામાં પુરાઇ જતા ગુંગળાઇને મોત નિપજ્યાં
બિજનોર : બાળપણાં આપણે દરેકે સંતાકુકડી રમી જ હશે અને આજે પણ તે દિવસ યાદ આવે તો દરેકનાં મોઢા પર સ્માઇલ આવી જ જાય. જો કે આ સંતાકુકડી જીવલેણ પણ સાબિત થઇ શકે છે તેનાં વિશે આપણે ક્યારે વિચાર્યું નહી હોય. ઉત્તરપ્રદેશનાં બિજનોરમાં રમતા રમતા બે બાળકોનાં મોત નિપજ્યા હતા. બાળકોના મોત બાદ પરિવારજનો ભારે શોકસંતપ્ત છે. બાળકો ઘરમાં રહેલી સંદુકમાં છુપાઇ ગયા હતા. ત્યારે જ ભુલથી સંદુકનો દરવાજો બંધ થઇ ગયો હતો અને આગળીયો દેવાઇ ગયો હતો.
જો કે મોડે સુધી બાળકો ઘરે નહી પહોંચતા પરિવારનાં લોકોએ શોધખોળ ચાલુ કરી હતી. જો કે બાળકોની ભાળ નહી મળતા તેમણે ઘરમાં જ શોધવાનું ચાલુ કર્યું હતું. ઘરમાં રહેલા સંદુક પર તેમની નજર પડી હતી. સંદુક ખોલતા જ બંન્ને બાળકો બેહોશ અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારનાં લોકો બંન્ને બાળકોને સારવાર માટે બિજનોર લઇ ગયા હતા. જો કે સારવાર દરમિયાન જ બંન્ને બાળકોનાં મોત નિપજ્યા હતા. મૃત્યુ બાદ બંન્ને પરિવારમાં ભારે રોકકળ મચી ગઇ હતી.
પિલાના નિવાસી રામવીર ત્યાગીનો પુત્ર અથર્વ (સાડા છ વર્ષ)ગામની પ્રાઇમરી સ્કુલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. જ્યારે ગામનાં જ મહેન્દ્ર પ્રજાપતિનો પુત્ર (સાડા ત્રણ વર્ષ ) માનવ પ્રજાપતિ ગામની જ ગાયત્રી વિદ્યા મંદિર પબ્લિક સ્કુલમાં નર્સરીનો વિદ્યાર્થી હતો. ગુરૂવારે શાળાની રજા બાદ પોત પોતાનાં ઘરે પહોંચ્યા હતા. બાળકો રોજિંદા ક્રમ પ્રમાણે રમવા નિકળ્યા પરંતુ ઘરે પરત નહી ફરતા ઘરનાં લોકોએ શોધખોળ આદરી હતી.