નવી દિલ્હી: રજા પર ઉતારી દેવાયેલા સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્માના ઘરની બહારથી 4 સંદિગ્ધ લોકો પકડાતા હાહાકાર મચ્યો છે. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યાં મુજબ આલોક વર્માના ઘર પર તહેનાત સુરક્ષાકર્મીઓએ 4 સંદિગ્ધ લોકોને પકડ્યા છે. તમામ સંદિગ્ધ એક કારની સાથે ઘરની બહાર ઊભા હતાં. સુરક્ષાકર્મીઓએ જ્યારે તેમની પૂછપરછ કરી તો તેઓ સ્પષ્ટ રીતે જવાબ આપી શક્યા નહીં, ત્યારબાદ તેમને પકડીને પોલીસને સોંપી દેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે સીબીઆઈના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાનાએ એક બીજા પર લાંચનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ વિભાગમાં ખુબ ઉથલપાથલ મચી ગઈ છે. આ હાલાતને પહોંચી વળવા માટે સીવીસીની સલાહ પર કેન્દ્ર સરકારે રાકેશ અસ્થાના અને આલોક વર્માને રજા પર ઉતારી દીધા છે. તેમની જગ્યાએ નાગેશ્વર  રાવને વચગાળાના ડાઈરેક્ટર બનાવવામાં આવ્યાં છે. 



એક જ રાતમાં CBI ઓફિસનો બદલાઈ ગયો માહોલ
સૂત્રોના જણાવ્યાં મુજબ મંગળવારે રાતે CBI ઓફિસમાં ખળભળાટ મચી ગયો. રાતના 10 વાગ્યાની આસપાસ ઈનોવા અને ઈર્ટિગા ગાડીઓમાંથી 15-16 અધિકારીઓની ટીમ પરિસરમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ એક સેડાન કારમાંથી એમ નાગેશ્વર રાવ, કે જેમને હાલ  સીબીઆઈ ડાઈરેક્ટરની જવાબદારી સોંપાઈ છે તેઓ આવે છે. 


આ એક ઐતિહાસિક પળ છે કારણ કે આ પ્રકારે રાતોરાત સીબીઆઈમાં ક્યારેય કોઈ ડાઈરેક્ટર બદલાયા નથી. ઓડિશા કેડેરના 1986ના અધિકારી રાવ સીધા પોતાની ઓફિસ ગયા અને રાતે લગભગ સાડા અગિયાર વાગ્યે પોતાનો પદભાર સંભાળ્યો. સીબીઆઈના અન્ય સ્ટાફને એજન્સીમાં થયેલા ફેરફાર અંગે કોઈ જાણકારી નહતી. 


આલોક વર્મા, કે જેઓ ત્યારે ડાઈરેક્ટર હતાં તેઓ સામાન્ય રીતે સાંજે લગભગ સાડા સાત વાગે બિલ્ડિંગમાંથી બહાર નિકળ્યાં. આ અગાઉ વર્મા પહેલા નોર્થ બ્લોકમાં સ્થિત પોતાની ઓફિસે ગયા હતાં. તેમના અને રાકેશ અસ્થાના વચ્ચેનો ટકરાવ કોર્ટ પહોંચી ગયો છે. 


એ જ સાંજે સતર્કતા ભવનમાં કેન્દ્રીય સતર્કતા આયોગ એક મહત્વની બેઠક કરી રહ્યું હતું. જેમાં સીબીઆઈના બંને અધિકારીઓ વર્મા અને અસ્થાનાના નસીબ પર ફેંસલો લેવાવાનો હતો. આ બંનેએ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં છે. સીબીઆઈએ 15 ઓક્ટોબરના રોજ અસ્થાના વિરુદ્ધ ભ્રષ્ટાચારનો મામલો નોંધ્યો હતો. 


ઉપલબ્ધ દસ્તાવેજોને ધ્યાનમાં લીધા બાદ સીવીસીએ સર્વસંમતિથી વર્મા અને અસ્થાનાના તમામ અધિકારો પાછા લેવાના નિર્ણયની ભલામણ કરી. સૂત્રોએ જણાવ્યું કે ભલામણ રાતે લગભગ સાડા આઠ વાગે સરકારને મોકલાઈ. ભલામણના આધારે કેબિનેટની નિયુક્તિ સમિતિએ 'વચગાળાના ઉપાય' તરીકે સીબીઆઈના ડાઈરેક્ટરનો પદભાર જોઈન્ટ ડાઈરેક્ટર રાવને સોંપ્યો.


કાર્યભાર સંભાળ્યાની ઔપચારિકતા પૂરી કર્યા બાદ રાવે અધિકારીઓને નિર્દેશ આપ્યા કે સીવીસીએ જે ફાઈલો માંગી છે તે બધી કબ્જામાં લઈ લેવી અને સુનિશ્ચિત કરવું કે સામગ્રી સાથે કોઈ પણ પ્રકારની છેડછાડ ન થાય.