Udaipur Murder Case: રાજસ્થાનના ઉદયપુરમાં થયેલો હત્યાકાંડ કોઈ આતંકી હુમલાથી જરાય કમ નથી. આ હત્યાકાંડને બરાબર એ રીતે અંજામ આપવામાં આવ્યો જેમ આતંકી આકાઓના હુકમ પર લોકોમાં દહેશત પેદા કરવા માટે ષડયંત્ર રચાયું હોય. ઉદયપુરમાં કન્હૈયાલાલની તાલિબાની અંદાજમાં ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી. બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને હવે હાલ NIA આ મામલાની તપાસ કરી રહી છે. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રો પાસેથી માહિતી મળી છે કે રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડના મુખ્ય આરોપી મોહમ્મદ રિયાઝ અત્તારીના તાર અલસૂફા સાથે જોડાયેલા છે. આ સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના રિમોટ સ્લીપર સેલ તરીકે કામ કરે છે. ધરપકડ કરાયેલ આરોપી રિયાઝ 5 વર્ષથી અલસૂફા માટે ઉદયપુર અને તેની આજુબાજુના જિલ્લાઓમાં કામ કરતો હતો. પહેલા તે મુજીબ હેઠળ કામ કરતો હતો. રાજસ્થાન પોલીસના ડીજીપી બુધવારે જ એ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે ઉદયપુર હત્યાકાંડના આરોપીઓમાંથી એક ગૌસ મોહમ્મદ વર્ષ 2014માં પાકિસ્તાન ગયા હતા અને દાવત એ ઈસ્લામી સંગઠન સાથે તેમનો સંબંધ છે. 


NIA ના સૂત્રોના હવાલે મળ્યા મોટા ખબર
NIA ના સૂત્રોના હવાલે એવા ખબર મળ્યા છે કે ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યા મામલે બે આરોપીઓને જલદી દિલ્હી લઈ જવાશે અને NIA દિલ્હીમાં તેમની પૂછપરછ કરશે. એનઆઈએ આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસને ફોરેન્સિક તપાસ માટે મોકલશે. તપાસ એજન્સીઓને શક છે કે આરોપીઓએ હત્યાને અંજામ આપવા માટે ISIS ના વીડિયો જોયા હતા. NIA ની ટીમ બંને આરોપીઓના સોશિયલ મીડિયા પોસ્ટ અને ચેટિંગની ડિટેલ મેળવવા માટે સાઈબર અને ફોરેન્સિક ટીમ પાસેથી મદદ લઈ રહી છે. હત્યાના આરોપી રિયાઝ અને મોહમ્મદ ગૌસના સંબંધ પાકિસ્તાન બેસ્ડ ઈસ્લામિક સંસ્થા દાવતે એ ઈસ્લામ સાથે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ NIA આ બંને આરોપીઓ અને દાવત એ ઈસ્લામી સંલગ્ન અન્ય લોકોની લિંક પણ ફંફોળી રહી છે. 


આરોપીઓએ આ જગ્યાએ શૂટ કર્યો હતો વીડિયો
પૂછપરછમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓને ઉદયપુરના સાપેટિયા સ્થિત એસકે એન્જિનિયરિંગથી હથિયારો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. એટલું જ નહીં હત્યા બાદ આરોપીઓએ સંભવત વીડિયો પણ અહીં જ શૂટ કર્યો હતો જે પાછળથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો. તપાસ ટીમ આજે સવારે એસકે એન્જિનિયરિંગના વર્કશોપ અને ઓફિસ પહોંચી હતી જ્યાં તેમણે કામ કરી રહેલા શ્રમિકો સાથે વાતચીત કરી. જરૂરી પુરાવા ભેગા કર્યા. ટીમે કેટલાક હથિયારો પણ જપ્ત કર્યા. એવું કહેવાય છે કે એસકે એન્જિનિયરિંગનો સંચાલક શોએ નામનો વ્યક્તિ છે જેની પૂછપરછ ચાલુ છે. 


આરોપીઓનું રાજસ્થાન-મધ્ય પ્રદેશ ટેરર મોડ્યૂલ સાથે કનેક્શન
30 માર્ચના રોજ રાજસ્થાનના ચિતૌડગઢના નિમ્બાહેડામાં પોલીસે 3 આતંકીઓ પાસેથી 12 કિલો વિસ્ફોટક જપ્ત કર્યો હતો. ત્યારે એ વાત સામે આવી હતી કે કેટલાક આતંકની પેરવી કરનારાઓના આદેશ પર જયપુર અને અન્ય જગ્યાઓ સીરિયલ બ્લાસ્ટનું ષડયંત્ર હતું. ટોંક નિવાસી મુજીબ આ મામલે જેલમાં બંધ છે. જેની સાથે ઉદયપુર ઘટનાના હત્યારાઓનો સંપર્ક હોવાનું કહેવાય છે. બીજા આતંકી ગૌસ મોહમ્મદને રિયાઝે થોડા મહિના પહેલા જ ટીમમાં સામેલ કર્યો હતો. ગૌસ 2014માં ટ્રેનિંગ લેવા માટે જોધપુરના રસ્તે કરાચી ગયો હતો. ત્યારે ભારતથી 30 લોકો કરાચી ગયા હતા. જેમણે પાકિસ્તાનના સંગઠન દાવત એ ઈસ્લામી સાથે જોડાઈને 40થી 45 દિવસની ટ્રેનિંગ લીધી હતી. પાછા ફર્યા બાદ ગૌસ ધર્મના નામે યુવાઓનું બ્રેઈન વોશ કરતો હતો. ગૌસ અને રિયાઝના મોબાઈલની તપાસમાં અનેક દેશોના નંબર મળ્યા છે. જેમાથી પાકિસ્તાનના બે લોકો સાથે સતત સંપર્કમાં હતા. આ મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે. પૂછપરછ બાદ 4 લોકોની અટકાયત પણ કરાઈ છે. અનેકની ઓળખ પણ થઈ છે. 

રાજસ્થાનના ચિતૌડગઢ જિલ્લામાં પોલીસે 30 માર્ચે પકડેલા આતંકીઓ પાસેથી 12 કિલો વિસ્ફોટકો મળ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ત્રણેય આતંકીઓના તાર કટ્ટરપંથી સંગટન અલસૂફા સાથે જોડાયેલા છે. અલસૂફાનો ચીફ ઈમરાન આ ષડયંત્રનો માસ્ટરમાઈન્ડ કહેવાય છે. અલસૂફાના ચીફ ઈમરાનના કહેવા પર જયપુરમાં 3 જગ્યાએ બ્લાસ્ટ થવાના હતા. પણ તે પહેલા જ પોલીસે ત્રણેય આતંકીઓને પકડીને આતંકી મનસૂબાઓ પર પાણી ફેરવી દીધુ. અત્રે જણાવવાનું કે અલસૂફાની દહેશતનું ષડયંત્ર અને રીત બરાબર એવી જ હતી જેવું 14 વર્ષ પહેલા જયપુર સહિત અનેક શહેરોમાં સીરિયલ બ્લાસ્ટમાં ઈન્ડિયન મુજાહિદ્દીને અપનાવ્યું હતું. આતંકીઓના આ ષડયંત્રના પર્દાફાશે ફરથી 2008ના જયપુર બોમ્બ વિસ્ફોટોની યાદ અપાવી દીધી હતી. 


CM ગહેલોતે કરી કન્હૈયાના પરિવાર સાથે મુલાકાત
આ બાજુ ઉદયપુરમાં આજે કન્હૈયાલાલની હત્યાથી લોકોમાં રોષનો માહોલ છે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે કન્હૈયાલાલના પરિવાર સાથે મુલાકાત કરી. તેમણે કહ્યું કે એનઆઈએએ કેસ હાથમાં લીધો છે. આરોપીઓને ફાંસીની સજા અપાવવાનો પ્રયત્ન કરીશું. અત્રે જણાવવાનું કે ગહેલોતે અગાઉ નિવેદન આપ્યું હતું કે આ બે પક્ષો વચ્ચેનો મામલો નથી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે રચાયેલું ષડયંત્ર છે. અમે સમયસર આરોપીઓને પકડી લીધા નહીં તો ન જાણે કેટલાય ગુનાને અંજામ આપ્યો હોત. તેમણે કહ્યું કે NIA કેસની તપાસ કરી રહી છે તો બંધ અને ધરણા પ્રદર્શન જેવા આયોજનો થવા જોઈએ નહીં. 


મૃતક કન્હૈયાલાલના પુત્ર યશે સીએમ સાથેની મુલાકાત બાદ કહ્યું કે તેઓ અમારી આર્થિક રીતે મદદ કરી રહ્યા છે. તેમણે મને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે. તેઓ અમારો સહયોગ કરી રહ્યા છે. અમે પણ સહયોગ કરવા માટે તૈયાર છીએ. યશે વધુમાં કહ્યું કે અમે સુરક્ષાની માગણી કરી છે. મારા પિતાને સુરક્ષા ન અપાઈ પરંતુ અમને મળવી જોઈએ. અમને તેનું આશ્વાસન અપાયું છે. દોષિતોને મોતથી ઓછી સજા ન થવી જોઈએ. 


કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં રેલી
ઉદયપુરમાં કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં સર્વ હિન્દુ સમાજ તરફથી રેલી કાઢવામાં આવી. રેલીમાં હજારો લોકો સામેલ થયા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube