ઉદયપુર હત્યા કેસઃ 45 દિવસ કરાચીમાં ટ્રેનિંગ, 8-10 નંબરો સાથે વાત, આરોપીઓનું પાકિસ્તાન કનેક્શન
ઉદયપુર હત્યાકાંડમાં આરોપીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવ પ્રમાણે આરોપી ગૌસ મોહમ્મદ 45 દિવસ પાકિસ્તાન, કેટલાક અરબ દેશ અને ત્યારબાદ નેપાળમાં પણ રહીને આવ્યો હતો. આ ઘટનાની તપાસ એનઆઈએને સોંપી દેવામાં આવી છે.
ઉદયપુરઃ રાજસ્થાનના ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલ હત્યા કેસમાં બંને આરોપીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવે તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, મામલો બે ધર્મોની લડાઈ નહીં, પરંતુ આતંકી હુમલો છે. બંનેમાંથી એક આરોપી ગૌસ મોહમ્મદે વર્ષ 2014-2015માં 45 દિવસ કરાચીમાં ટ્રેનિંગ લીધી હતી.
એટલું જ નહીં વર્ષ 2018-2019માં ગૌસ મોહમ્મદ અરબ દેશોમાં ગયો હતો. પાછલા વર્ષે નેપાળમાં પણ તેનું લોકેશન સામે આવ્યું છે. તેવામાં આરોપી ગૌસ મોહમ્મદનું કનેક્શન સીધી રીતે પાકિસ્તાન સાથે છે, તો રાજસ્થાન સરકારે આ મામલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ને સોંપી દીધી છે.
શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે આ ઘટનાને અંજામ આપનાર બંને આરોપીઓ ગૌસ મોહમ્મદ અને રિયાઝ સતત પાકિસ્તાનમાં બેઠેલા લોકોના સંપર્કમાં હતા અને બંને પાકિસ્તાનના 8થી 10 નંબર પર સતત વાત કરી રહ્યાં હતા. આ આ ઘટનાની તપાસ માટે એનઆઈએને જો સહયોગની જરૂર હશે તો એસઓજી એનઆઈએની સહાયતા કરશે.
આ પણ વાંચોઃ મદરેસામાં બાળકોને ઈશનિંદા કરનારનું માથુ કાપવાનું શીખવવામાં આવે છેઃ આરિફ મોહમ્મદ ખાન
મંત્રી રાજેન્દ્ર યાદવે કહ્યુ, ઉદયપુરની આ ઘટના વિદેશોમાં બેઠેલી આતંકી શક્તિઓની ભારતમાં શાંતિ ખરાબ કરી હિન્દુ-મુસ્લિમો વચ્ચે તોફાન કરાવવાનું ષડયંત્ર હતું. જે પોલીસકર્મીઓએ પોતાનો જીવ જોખમમાં મુકી બંને આરોપીઓને ઝડપ્યા છે, તે પાંચેય પોલીસ કર્મીઓને ગેલેન્ડ્રી એવોર્ડ આપવામાં આવશે. તેમણે કહ્યું કે અચાનક થયેલી આ ઘટનાને ગુપ્તચર નિષ્ફળતા ન માની શકાય.
યુએપીએ કાયદા હેઠળ કેસ દાખલ
તો રાજસ્થાનના ડીજીપી એમએલ લાઠરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની હત્યાને આતંકી ઘટના માનતા યુએપીએ કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બંને આરોપી બીજા દેશો સાથે સંપર્કમાં હોવાની પણ જાણકારી સામે આવી છે. રાજ્યના પોલીસ વડાએ કહ્યું કે આરોપી ગૌસ મોહમ્મદ વર્ષ 2014માં પાકિસ્તાન ગયો હતો. તે દાવત-એઇસ્લામી નામની સંસ્થા સાથે જોડાયેલો હતો. યુપીના કાનપુર સહિત દિલ્હી અને મુંબઈમાં દાવત-એ-ઇસ્લામીની ઓફિસ પણ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube