ફેસબુક લાઈવ દરમિયાન ઉદ્ધવ જૂથના નેતા અભિષેક ઘોષાલકરની હત્યા, જુઓ Video
Abhishek Ghosalkar Shot: અભિષેક ઘોસાલકર શિવસેના (UBT) નેતા વિનોદ ઘોસાલકરના પુત્ર છે. અભિષેક પૂર્વ કોર્પોરેટર છે. આ ઘટના મુંબઈના દહિસર વિસ્તારમાં બની હતી. પોલીસ ઘટનાસ્થળે હાજર છે.
ૃMaharashtra Crime News: મુંબઈમાં સનસનીખેજ ઘટના સામે આવી છે. ગુરૂવાર (8 ફેબ્રુઆરી) ની સાંજે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)જૂથના નેતા અભિષેક ઘોષાલકર (Abhishek Ghosalkar)પર મુંબઈના દહિસર વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. તેમને ત્રણ ગોળીઓ વાગી હતી, તેમાં તે ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. મુંબઈ પોલીસે અભિષેકના મોતની પુષ્ટિ કરી છે. આરોપી મોરિસ ભાઈએ પહેલા અભિષેકની સાથે ફેસબુક લાઇવ કર્યું અને ત્યારબાદ ગોળી મારી હતી. ઘટનાને અંજામ આપનાર આરોપીએ આત્મહત્યા કરી લીધી છે. વિનોદ ઘોષાલકર ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા છે અને અભિષેક ઘોષાલકર તેમનો પુત્ર છે. અભિષેક ઘોષાલકર પૂર્વ નગરસેવક છે.
આદિત્ય ઠાકરેએ શું કહ્યું?
આ ઘટના પર શિવસેના (યુબીટી)એ કહ્યું કે મહારાષ્ટ્રમાં 'ગુંડારાજ' છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે અશોક તેમને મળવા માતોશ્રી પહોંચ્યા હતા અને હવે સમાચાર આવ્યા કે તેમને ગોળી મારી દેવામાં આવી છે. રાજ્યમાં શું થઈ રહ્યું છે? અહીં ગુંડાઓની સરકાર છે.
અભિષેકે આરોપી વિરુદ્ધ એક વર્ષ પહેલા નોંધાવી હતી ફરિયાદ
રિપોર્ટ પ્રમાણે આરોપી મોરિસ ભાઈ નામથી જાણીતો હતો અને ખુદને સામાજિક કાર્યકર્તા ગણાવતો હતો. એક વર્ષ પહેલા અભિષેક ઘોષાલકરે તેની વિરુદ્ધ દહિસર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. અભિષેક ઘોષાલકરને ગોળી માર્યા બાદ તેના કાર્યકર્તા આક્રમક થઈ ગયા અને આરોપીની ઓફિસમાં તોડફોડ કરી હતી. ઘટનાથી દહિસર વિસ્તારમાં માહોલ ગરમ થઈ ગયો અને અહીં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેનાના એક નેતા પર ગોળીબાર કર્યો હતો. કલ્યાણના ધારાસભ્ય ગણપત ગાયકવાડે 2 ફેબ્રુઆરીએ થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં સ્થાનિક શિવસેના નેતા મહેશ ગાયકવાડ અને અન્ય વ્યક્તિ પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ ધારાસભ્ય અને તેમના બે સહયોગીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેમના પુત્ર વૈભવ, ગણાત્રા અને અન્ય આરોપી નાગેશ બડેકર ફરાર છે.