ઈતિહાસનો એકમાત્ર દેશ, જેના પહેલા બે ભાગ થયા, વળી પાછા એક થઈ ગયા
ભારત અને પાકિસ્તાનના વિભાજન સાથે જ એક એવી આશા સેવાતી હતી કે ક્યારેક તો આ બે દેશ ફરી એક થશે.
ભારત અને પાકિસ્તાનના વિભાજન સાથે જ એક એવી આશા સેવાતી હતી કે ક્યારેક તો આ બે દેશ ફરી એક થશે. અહીંથી જ એક વિચાર આવે કે શું ક્યારેય એવું થયું છે કે દેશ તૂટીને ભાગલા પડ્યાં હોય અને ફરી એક થાય. બિલકુલ હા. શીતયુદ્ધ દરમિયાન વિચારધારાઓના આધારે જર્મની દેશ તૂટીને બે ભાગમાં વહેંચાયો અને તેના 45 વર્ષ બાદ આજના જ દિવસે એટલે કે 3 ઓક્ટોબર 1990ના રોજ પૂર્વ અને પશ્ચિમ જર્મની એક થઈ ગયા. આધુનિક ઈતિહાસમાં આ પહેલવહેલી તક હતી કે કોઈ વિભાજીત દેશને લોકઆંદોલનના પગલે એક થવાની તક મળી.
1990માં 3 ઓક્ટોબરની સવાર બંને તરફના જર્મનીમાં રહેતા લોકો માટે એક નવો અહેસાસ લઈને આવી. ગત રાતથી જ બર્લિનના બ્રાંડનબુર્ગર ગેટ સામે લાખોની સંખ્યામાં લોકો ભેગા થયા હતાં અને તેઓ 45 વર્ષ બાદ એકીકૃત જર્મનીનો સૂરજ જોવા માંગતા હતાં. સવાર થતા થતા તો પ્રકાશના કિરણો ચારેબાજુ પ્રસર્યા અને પૂર્વ અને પશ્ચિમ જર્મની નહીં પણ એકીકૃત જર્મની જોવા મળ્યું.
શીતયુદ્ધ (કોલ્ડવોર)
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1945માં નાઝી જર્મનીની હાર બાદ જર્મની બે ભાગોમાં વહેંચાઈ ગયો. પૂર્વ ભાગ પર તત્કાલિન સોવિયેત સંઘ (રશિયા)નું વર્ચસ્વ થઈ ગયું. પશ્ચિમ ભાગ પર ફ્રાંસ, બ્રિટન અને અમેરિકાનું વર્ચસ્વ થયું. બર્લિન અને જર્મનીના બાકીના પ્રાંતોને ચાર મિલેટ્રી કેન્દ્રોમાં વિભાજનના આધાર પર આ ભાગલા પડ્યાં. તેનું પરિણામ એ આવ્યું કે પશ્ચિમી શક્તિઓના નિયંત્રણવાળો ભાગ 23 મે 1949ના રોજ ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની (પશ્ચિમ જર્મની) કહેવાયો. બીજી બાજુ સોવિયેત સંઘના નિયંત્રણવાળો ભાગ દક્ષિણી ઝોન તે વર્ષ 7 ઓક્ટોબરના રોજ જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક (પૂર્વ જર્મની) કહેવાયો. પૂર્વ જર્મનીએ ઈસ્ટ બર્લિનને પોતાની રાજધાની બનાવી. જ્યારે પશ્ચિમ જર્મનીએ બોનને પોતાની રાજધાની ગણાવી. બધાનું પરિણામ એ આવ્યું કે વિચારધારાત્મક સ્તર પર પૂર્વ જર્મની, રશિયાના પ્રભાવના કારણે કોમ્યુનિસ્ટ દેશ બની ગયો અને પશ્ચિમ જર્મની પૂંજીવાદી દેશ તરીકે આગળ વધવા લાગ્યો.
એક દિવાલ જે બાદમાં તોડી પડાઈ
1950ના દાયકામાં પશ્ચિમ જર્મનીએ સોશિયલ માર્કેટ ઈકોનોમી અપનાવી અને ઝડપથી આર્થિક પ્રગતિ કરી. 1955નમાં તે નાટોનો ભાગ બન્યો અને 1957માં યુરોપીય ઈકોનોમિક કોમ્યુનિટીનો ભાગ બન્યો. બીજી બાજુ પૂર્વ જર્મનીએ સોવિયેત સંઘના નિયંત્રિત ઈકોનોમીના મોડલને અપનાવ્યું. બંને દેશો વચ્ચે લોકોની અવરજવર રોકવા માટે 1961માં બર્લિન વોલ પણ બનાવવામાં આવી. પરંતુ જર્મન લોકોએ ક્યારે પણ વિભાજન અને દીવાલને સ્વીકાર્યા નહીં. આ બધાનું પરિણામ એ આવ્યું કે 1970નો દાયકો આવતા આવતા તો લોકોએ ફરી એક થવા માટે આંદોલન શરૂ કરી દીધુ. જેના પરિણામે બંને તરફના નેતૃત્વ વચ્ચે પણ તણાવ ખતમ થયો.
1989માં હંગેરીએ પોતાની તરફથી બોર્ડર પર બનાવેલી દીવાલને પાડી નાખી. તેની અસર એ થઈ કે પૂર્વ જર્મનીથી હજારો લોકો હંગેરી થઈને પશ્ચિમ જર્મની ભાગી ગયાં. તેનું એક સૌથી મોટુ કારણ એ પણ હતું કે એક બાજુ જ્યાં પશ્ચિમ જર્મની પ્રગતિ કરી રહ્યો હતો ત્યાં પૂર્વ જર્મની આર્થિક તંગી, બેરોજગારી સામે ઝઝૂમતો બદહાલ દેશ હતો. આથી સારા જીવનની આશામાં લોકો તક મળતા જ પૂર્વ જર્મનીથી પશ્ચિમ જર્મની તરફ ભાગી રહ્યાં હતાં. સોવિયેત સંઘના પ્રભાવવાળા પોલેન્ડ અને હંગેરીમાં પણ કોમ્યુનિસ્ટ શાસન વિરુદ્ધ જન આંદોલન શરૂ થયું. આ બધાનું પરિણામ એ આવ્યું કે લોકોએ 1989માં બર્લિનની દીવાલને પાડી નાખી. પૂર્વ જર્મનીએ પણ બોર્ડર પર રાહત આપી. એકીકરણ માટે વધતા લોક આંદોલન વચ્ચે 12 સપ્ટેમ્બર 1990ના રોજ ટુ પ્લસ ફોર ટ્રિટી હેઠળ શીત યુદ્ધની તમામ શક્તિઓએ જર્મની પર પોતાની દાવેદારી છોડી અને જર્મનીને સંપ્રભુતા મળી. આ સાથે જ 3 ઓક્ટોબર 1990ના રોજ જર્મનીનું એકીકરણ થયું અને એક દેશ બની ગયો.