નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા બુધવારે સંસદમાં પડતર ત્રણ તલાક (તલાક-એ-બિદ્ત)ને દંડનીય અપરાધ બનાવતા બીલને કાયદાકીય સ્વરૂપ આપવા માટેના અધિનિયમને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ત્રણ તલાક બિલની મહત્ત્વની જોગવાઈઓ અંગે માહિતી આપતા જણાવ્યું કે, આ બિલથી મુસ્લિમ મહિલાઓને ન્યાય મળશે. ત્રણ તલાકના બીલ અંગે મહત્ત્વની જોગવાઈઓ અહીં સમજાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ તલાકનો કેસ ક્યારે દાખલ કરી શકાશે
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, આ અપરાધ સંજ્ઞેય (એટલે કે પોલીસ ત્યારે જ સીધી ધરપકડ કરી શકે છે) ત્યારે જ ગણાશે જ્યારે પીડિત મહિલા પોતે ફરિયાદ કરશે. તેની સાથે લોહીનો કે લગ્નના સંબંધવાળા સભ્યો પાસે પણ કેસ દાખલ કરવાનો અધિકાર રહેશે. પડોશી કેકોઈ અજાણા વ્યક્તિ આ બાબતે કેસ દાખલ કરી શકશે નહીં. 


સમાધાન માટેની શરતો
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ બીલ મહિલાઓના સશક્તીકરણ માટે છે. કાયદામાં સમાધાનના વિકલ્પ પણ રાખવામાં આવ્યા છે. પત્નીની પહેલ પર સમાધાન થઈ શકે છે, પરંતુ ન્યાયાધિશ દ્વારા નક્કી કરાયેલી યોગ્ય શરતોને આધિન જ આમ કરી શકાશે. 


જામીન માટે કઈ શરતો છે 
કાયદા અંતર્ગત ન્યાયાધિશ આવા કેસમાં જામીન આપી શકે છે, પરંતુ તેના માટે પહેલા પત્નીનો પક્ષ સાંભળવાનો રહેશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આ પતિ-પત્ની વચ્ચેની અંગત બાબત છે. પત્નીએ ફરિયાદ કરી છે એટલે તેનો પક્ષ સાંભળવો જરૂરી રહેશે. 


ભરણપોષણ માટેની જોગવાઈઓ કઈ-કઈ છે 
ત્રણ તલાક અંગેના કાયદામાં નાના બાળકોની કસ્ટડી માતાને આપવાની જોગવાઈ કરાઈ છે. પત્ની અને બાળકના ભરણપોષણની રકમ ન્યાયાધિશ દ્વારા જે નક્કી કરવામાં આવે તે પતિએ ચુકવવાની રહેશે.  


સુપ્રીમ કોર્ટમાં આ બાબતે શો અભિપ્રાય આવ્યો હતો?
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ દ્વારા ત્રણ તલાક બીલને ફગાવી દેવાયું હતું. બે ન્યાયાધિશ દ્વારા તેને ગેરબંધારણીય કહેવાયું હતું, એક ન્યાયાધિશે તેને પાપ જણાવ્યું હતું. ત્યાર બાદ બે ન્યાયાધિશે તેના પર સસંદને કાયદો બનાવવા માટે જણાવ્યું હતું. આ બીલ લોકસભામાં તો પસાર થઈ ગયું છે, પરંતુ રાજ્યસભામાં અટકી ગયું છે. આથી, કેન્દ્ર સરકારે તેને કાયદાનું સ્વરૂપ આપવા માટે અધિનિયમનો માર્ગ પસંદ કર્યો છે. જોકે, હવે કેન્દ્ર સરકારે 6 મહિનાના અંદર તેને સંસદ પસાર કરવાનું રહેશે. એટલે સરકારે શિયાળુ સત્રમાં તેને પસાર કરાવાનો રહેશે. 


બંધારણમાં અધિનિયમ અંગે શું જોગવાઈ છે?
બંધારણમાં અધિનિયમ લાવવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. કોઈ બીલ લાગુ કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. બંધારણની કલમ 123 મુજબ જ્યારે સંસદનું સત્ર ચાલતું ન હોય તો રાષ્ટ્રપતિ કેન્દ્રીય મંત્રીમંડળના આગ્રહ પર કોઈ અધિનિયમ બહાર પાડી શકે છે. અધિનિયમ ગૃહના આગામી સત્રની સમાપ્તીના છ સપ્તાહ સુધી લાગુ રહી શકે છે. જે બીલ પર અધિનિયમ લાવવામાં આવે તેને સંસદના હવે પછીના સત્રમાં પસાર કરવાનું હોય છે. આમ ન થાય તો રાષ્ટ્રપતિ તેને બીજી વખત પણ મંજુરી આપી શકે છે.