સંસદના શિયાળુ સત્ર દરમિયાન આજે લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે આ બિલ સદનના પટલ પર રજૂ કર્યું. આ બિલને સંવિધાન (129મું સંશોધન) બિલ 2024 નામ આપવામાં આવ્યું છે. બિલ અંગે લોકસભામાં  બેવાર મતદાન થયું. ઈલેક્ટ્રોનિક વોટિંગ અને ત્યારેબાદ કાગળની પરચીઓની ગણતરી બાદ 269 સભ્યો પક્ષમાં અને 198 સભ્યો વિરોધમાં બિલ રજૂ થયું. આવું પહેલીવાર બન્યું જ્યારે નવી સંસદમાં લોકસભામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારબાદ કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. જો કે વિપક્ષ આ બિલના વિરોધમાં છે. બિલ રજૂ થતા પહેલા જ વિપક્ષી પાર્ટીઓ (કોંગ્રેસ, ટીએમસી વગેરે) એ આ બિલની વિરુદધમાં બોલવાનું શરૂ કરી દીધુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેઘવાલે મંગળવારે દેશમાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાની જોગવાઈવાળા સંવિધાન (129મું સંશોધન) બિલ, 2024 અને તે સંલગ્ન સંઘ રાજ્ય ક્ષેત્ર વિધિ (સંશોધન)બિલ 2024ને સંસદના નીચલા  ગૃહમાં રજૂ કર્યા. વન નેશન વન ઈલેક્શન પર ચર્ચા કે સ્વીકાર થવા અંગેની મતદાન પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સદનમાં પહેલા જ કહ્યું હતું કે આ બિલને ચર્ચા માટે સંસદીય સમિતિને મોકલવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, જ્યારે કેબિનેટ પાસે એક દેશ એક ચૂંટણી પ્રસ્તાવ આવ્યો હતો ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે તેને સંસદની સંયુક્ત સમિતિ પાસે મોકલી દેવો જોઈએ. તેના પર દરેક સ્તરે વિસ્તૃત ચર્ચા થવી જોઈએ. 


સરકાર આ બિલને રજૂ કર્યા બાદ સંસદની સંયુક્ત સમિતિ (JPC) પાસે મોકલવાની ભલામણ કરી રહી છે. ભાજપે પોતાના સાંસદોને વ્હિપ પણ ઈશ્યું કર્યો હતો. બીજી બાજુ કોંગ્રેસે પણ સવારે ઈમરજન્સી બેઠક બોલાવી અને ત્રણ લાઈનનો વ્હિપ બહાર પાડ્યો હતો. વિપક્ષ સતત વન નેશન વન ઈલેક્શન બિલનો વિરોધ કરી રહ્યો છે. હાલ લોકસભામાં હવે કાર્યવાહી હંગામેદાર રહેવાના એંધાણ છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવે વિરોધની જાહેરાત કરી છે. તેમણે  કહ્યું કે એક પ્રકારે આ બંધારણને ખતમ કરવાનું વધુ એક ષડયંત્ર પણ છે. બીજીબાજુ કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે આ કોઈ પાર્ટીનો નહીં પરંતુ દેશનો મુદ્દો છે. દેશ જોશે કે કોંગ્રેસ હંમેશા કેવી નેગેટિવ રહે છે. દેશ આઝાદ થયો તો દેશમાં એક દેશ એક ચૂંટણી હતી. પરંતુ કોંગ્રેસે તેને પોતાની રીતે બદલી નાખ્યું. દેશમાં હંમેશા ચૂંટણી થતી રહે છે જેનાથી દેશને ખુબ નુકસાન થાય છે. 



બિલ તો રજૂ થયું હવે આગળ શું


બિલ રજૂ થયા બાદ આગળની પ્રોસેસ
સરકાર વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કર્યા બાદ તેને JPC પાસે મોકલવાની તૈયારી કરી રહી છે. આ માટે જેપીસીની કમિટી બનાવવામાં આવશે. જેમાં વિવિધ પક્ષોના સાંસદોના ગુણોત્તરના આધારે સભ્યોને સામેલ કરાશે. જેપીસી તમામ પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને બિલ પર સૂચનો લેશે. ત્યારબાદ જેપીસી પોતાનો રિપોર્ટ સ્પીકરને સોંપશે. જેપીસીથી અપ્રુવ થયા બાદ બિલ સંસદમાં લાવવામાં આવશે. સંસદના બંને સદનોથી બિલ પાસ થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે અને રાષ્ટ્રપતિના સાઈન બાદ આ બિલ કાયદો બનશે. તેના કાયદો બન્યા બાદ દેશભરમાં એક સાથે ચૂંટણી કરાવવાનો રસ્તો સાફ થઈ જશે. 


લોકોના પ્રતિભાવો લેવાની પણ યોજના
સૂત્રોના જણાવ્યાં  મુજબ આ બિલ પર લોકોના અભિપ્રાય લેવાની પણ યોજના છે. વિચાર વિમર્શ દરમિયાન બિલના પ્રમુખ પહેલુઓ, તેના ફાયદા અને સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી કરાવવા માટે જરૂરી કાર્યપ્રણાલી અને ચૂંટણી મેનેજમેન્ટ પર વાતચીત થશે. આ મુદ્દે વિપક્ષી દળો સાથે વાતચીતની જવાબદારી માટે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, અર્જૂન રામ મેઘવાલ, અને કિરેન રિજિજૂને નિયુક્ત કરવામાં આવ્યા છે. 


લોકસભામાં હંગામાની આશંકા
વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કરતા પહેલા કોંગ્રેસે વ્હિપ જારી કરીને તમામ સાંસદોને સંસદમાં  હાજર રહેવાનો નિર્દેશ આપેલો છે. આ સાથે જ આજે એક ઈમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. અત્રે જણાવવાનું કે વિપક્ષ સતત વન નેશન વન ઈલેક્શનનો વિરોધ કરતો રહ્યો છે. જેને જોતા આશંકા જતાવવામાં આવી છે કે લોકસભાની કાર્યવાહી હંગામેદાર રહી શકે છે.