ઉત્તર ભારતીયો પર હુમલાથી ગુસ્સે થયેલા યુપી સરકારના મંત્રીએ ગુજરાત સરકારનું રાજીનામું માગ્યું
ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકારમાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાની ઘટના અંગે રૂપાણી સરકારનું રાજીનામું માગી લીધું છે
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ભાજપની યોગી આદિત્યનાથની સરકારમાં રહેલા કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભર (Om Prakash rajbhar)એ ગુજરાતમાં ઉત્તર ભારતીયો પર થઈ રહેલી હુમલાની ઘટનાઓ અંગે નારાજગી વ્યક્ત કરી છે. યુપીમાં ગઠબંધન સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ રાજભરે આ ઘટના અંગે ભાજપની આકરી ઝાટકણી કાઢી છે.
તેમણે જણાવ્યું કે, જો ગુજરાત સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ. યોગી સરકારમાં મંત્રી ઓમ પ્રકાશ રાજભર હંમેશાં પોતાના વિવાદિત નિવેદનો દ્વારા લોકો માટે મુસિબત ઊભી કરે છે. હવે, તેમણે ફરી વખત વિવાદિત નિવેદન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 14 માસની એક બાળકી પર બળાત્કારની ઘટના બાદ સ્થાનિક લોકો તરફથી યુપી-બિહારના હિન્દીભાષી લોકો પર હુમલા થઈ રહ્યા છે, તેમનાં ઘરોમાં લૂંટફાટ થઈ રહી છે. જેના કારણે યુપી-બિહારના લોકો ગુજરાત છોડીને ભાગી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોટી સંખ્યામાં વિવિધ શહેરોમાં આવેલી ફેક્ટરીઓ અને કારખાનામાં યુપી-બિહારનાં લોકો કામદાર તરીકે કામ કરી રહ્યાં છે.
ઓમપ્રકાશ રાજભરે બે ટ્વીટ કરીને ગુજરાતની ભાજપ સરકારને આડે હાથ લીધી છે. એક ટ્વીટમાં તેમણે જણાવ્યું કે, જો ગુજરાત સરકાર લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ જતી હોય તો તેણે રાજીનામું આપી દેવું જોઈએ. અમે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરીને ગુજરાત સરકારને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે. સાથે જ પ્રવાસી મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
બીજી ટ્વીટમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં ભાજપનું શાસન છે, ભાજપના લોકો ગરીબોની વાત કરે છે તો તેઓ તેમને યુપી, બિહાર, એમપીના લોકોને મારીને તેમના રાજ્યમાંથી કેમ ભગાડી રહ્યા છે. જો લોકે ગુજરાતમાં રોજગારી મેળવીને ગુજરાન માટે ગયા છે તો પછી તેમની સાથે આ પ્રકારનો વ્યવહાર નિંદનીય છે.