લખનઉ: ધર્મ અને જાતિના બંધનોને પાછળ રાખીને મુસ્લિમ સમાજે મિસાલ રજુ કરી છે. હોળીના પર્વ પર લખનઉના મુસ્લિમ સમાજે નમાજ અદા કરવા માટે સમયમાં ફેરફાર કરવાનુ નક્કી કર્યુ છે. વાત જાણે એમ છે કે આ વર્ષે હોળી અને જુમ્મા એક જ દિવસે આવે છે. આવામાં અસામાજિક તત્વો દ્વારા રંગોત્સવમાં ખલેલ પડવાની આશંકાના પગલે અહીંના મુસ્લિમ સંગઠનોએ આ ફેસલો લીધો છે. તહઝીબનું શહેર ગણાતા લખનઉમાં અમન અને શાંતિ જાળવી રાખવા માટે નમાજનો સમય એક વાગ્યા બાદ રાખવાની અપીલ કરાઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અડધો કલાક આગળ વધાર્યો સમય
અત્રે જણાવવાનું કે આ વખતે હોળીનો તહેવાર શુક્રવારના રોજ છે. આ જ દિવસે શહેરની મસ્જિદોમાં જુમ્માની નમાજ અદા કરવા માટે મોટી સંખ્યામાં નમાજીઓ સામેલ થાય છે. આવામાં નમાજ અદા કરવા આવેલા લોકો પર રંગ ન પડે અને અસમાજિક તત્વો તેનો ફાયદો ન ઉઠાવે તે માટે ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાના ચેરમેન તથા ઈદગાહના ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલી અને ઈમામી જુમા મૌલાના કલ્બે જવાદે જુમ્માની નમાજનો સમય એક વાગ્યા બાદનો કર્યો છે.


અન્ય સંગઠનોને પણ આમ કરવાની અપીલ
તેમણે કહ્યું કે આ વખતે હોળી 2જી માર્ચે રમાશે. આ જ દિવસે જુમ્મા પણ છે. સમગ્ર દેશમાં મુસલમાનો મસ્જિદોમાં જુમ્માની નમાજ અદા કરવા માટે પહોંચે છે. એક જ સમયે બંને હશે. આથી હિન્દુ ભાઈઓના તહેવારોનું મુસલમાન ભાઈઓ ખ્યાલ રાખે તેવી અપીલ કરાઈ છે. મૌલાનાએ અન્ય સંગઠનોને પણ આમ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે જે મસ્જિદોમાં ભેગી વસ્તી છે અને નમાજનો સમય 12.30થી 1 વાગ્યાનો છે ત્યાં નમાજનો સમય અડધો કલાક વધારી દે. જેનાથી હોળી રમનારા અને નમાજ અદા કરનારાઓને સરળતા રહેશે.