UP Election 4th Phase Voting Live: લખીમપુરમાં EVM સાથે છેડછાડ, મશીનમાં નાખ્યું ફેવીક્વિક, સપાનું બટન જ નથી દબાતુ
UP Election 4th Phase Voting Live Updates: આ તબક્કાના મતદાનમાં મોદી સરકારના મંત્રી અજય મિશ્રા ટેની અને કૌશલ કિશોરની સાથે સાથે મોદી સરકારના 4 મંત્રીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગેલી છે.
UP Election 4th Phase Voting Live Updates: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન આજે છે. યુપીનું પાટનગર લખનઉ, રાયબરેલી, પીલીભીત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, ફતેહપુર, બાંદા અને ઉન્નાવની 59 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કાના મતદાનમાં મોદી સરકારના મંત્રી અજય મિશ્રા ટેની અને કૌશલ કિશોરની સાથે સાથે યોગી સરકારના 4 મંત્રીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગેલી છે.
પીએમ મોદીએ પરિવારવાદ પર ઉઠાવ્યો સવાલ
ચોથા તબક્કાનું મતદાન ચાલુ છે ત્યારે આ બધા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ બારાબંકીમાં જનસભાને સંબોધિત કરી. તેમણે કહ્યું કે ઘોર પરિવારવાદી જાણતા હતા કે જો ગરીબ પાસે ઘર, વીજળી, રોડ અને શૌચાલય આવી ગયા તો પછી ઘોર પરિવારવાદીઓ પાસે કોણ જશે. આ ઘોર પરિવારવાદી ઈચ્છે છે કે ગરીબ હંમેશા તેમના ચરણોમાં રહે અને તેમના ચક્કર કાપતા રહે.
પીએમ મોદીએ કહ્યું કે યુપીનું સામર્થ્ય વધારવા માટે અહીંની 10 કરોડથી વધુ અમારી બહેનો અને બેટીઓની મોટી ભૂમિકા છે. જો અમારી બહેનો, બેટીઓ બંધનમાં રહેશે તો યુપી તેજ વિકાસની ગતિ પ્રાપ્ત કરી શકશે નહીં. જ્યારે માતાઓ, બહેનો, દીકરીઓનું સામર્થ્ય વધે છે ત્યારે પરિવાર, દેશ,સમાજનું સામર્થ્ય વધે છે.
બપોરે 1 વાગ્યા સુધીમાં 37.45 ટકા મતદાન
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ બપોરે એક વાગ્યા સુધીમાં 37.45 ટકા મતદાન થયું છે.
લખીમપુર ખીરીમાં ઈવીએમ સાથે છેડછાડ
લખીમપુર ખીરીમાં ઈવીએમ સાથે છેડછાડનો મામલો સામે આવ્યો છે. કાદીપુર સાની પોલિંગ બૂથ પર મૂકવામાં આવેલા ઈવીએમમાં કેટલાક અસામાજિક તત્વોએ ફેવીક્વિક નાખી દીધુ. જેના કારણે દોઢ કલાક સુધી મતદાન થઈ શક્યું નહીં. પૂર્વ વિધાયક અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઉત્કર્ષ વર્માએ કહ્યું કે કોઈએ ટીખળી કરતા પહેલા નંબર પર કે જે અમારું બટન છે તેમાં ફેવીક્વિક નાખી દીધુ. જેના કારણે તે બટન દબાતુ નહતું. આ અંગે તાત્કાલિક ફરિયાદ કરી. ત્યારબાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું. પણ દોઢ કલાક સુધી મતદાન અટકી પડ્યું.
9 વાગ્યા સુધીમાં 9.10 ટકા મતદાન
યુપી વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 9.10 ટકા મતદાન થયું છે. અત્રે જણાવવાનું કે યુપીના 9 જિલ્લાઓની 59 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ ગયું છે.
માયાવતીનું મોટું નિવેદન
માયાવતીએ લખનઉમાં મતાધિકારનો ઉપયોગ કર્યા બાદ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું. જો કે ભાજપ પર મૌન સાધ્યું. તેમણે કહ્યું કે બસપાને તમામ વર્ગોના મત મળી રહ્યા છે. ભાજપ અને સપા જીતના દાવા કરી રહ્યા છે, ક્યાંક એવું ન બને કે તેમના દાવા ઠેરના ઠેર રહી જાય. જ્યારે પરિણામ આવશે ત્યારે બસપાને 2007 ની જેમ પૂર્ણ બહુમત મળશે.
સપાની કાર્યશૈલીથી અલ્પસંખ્યકો દુ:ખી- માયાવતી
બસપા પ્રમુખ માયાવતીએ કહ્યું કે અલ્પસંખ્યક સપાની કાર્યશૈલીથી ખુબ દુખી છે. સપા જે સરકાર બનાવવાની સપના જોઈ રહી છે તેના સપના ચકનાચૂર થઈ જશે. જ્યારે જ્યારે સમાજવાદી પાર્ટી સત્તામાં રહી છે, ત્યારે સૌથી વધુ ઉત્પીડન દલિતો અને પછાતોનું થયું છે. તેમણે આગળ એમ પણ કહ્યું કે મુસલમાનો પણ સમાજવાદી પાર્ટીથી ખુશ નથી અને તેઓ તેમને મત નહીં આપે. યુપીના લોકોએ મત આપતા પહેલા જ સપાને નકારી દીધી છે. કારણ કે સપાને મત આપવાનો અર્થ ગુંડા રાજ અને માફિયા રાજ છે. સપા સરકારમાં થયેલા તોફાનો સપા નેતાઓનો ચહેરો દર્શાવે છે કે તેઓ સત્તામાં આવી રહ્યા નથી.
આ નેતાઓએ કર્યું મતદાન
બીએસપી અધ્યક્ષ માયાવતીએ લખનઉમાં મતદાન કર્યું. રાયબરેલી સિટીથી ભાજપના ઉમેદવાર અદિતિ સિંહે પણ મતદાન કર્યું. મતદાન કર્યા બાદ તેઓ બોલ્યા કે રાયબરેલીમાં તેમની જીત નિશ્ચિત છે અને જીતનો માર્જિન એક લાખથી વધુ હશે. રાયબરેલીની જનતાએ મારા પિતા પર વિશ્વાસ મૂક્યો અને મારા ઉપર પણ મૂકશે. કોંગ્રેસે ક્યારેય કામ કર્યું નથી. જો કર્યું હોત તો આ સ્થિતિ ન આવી હોત.
મતદાન શરૂ
સવારે 7ના ટકોરે ચોથા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે.
આ મુદ્દા મહત્વના
આ તબક્કામાં રામ મંદિર, લખીમપુર ખીરી હિંસા, રખડતા ઢોર, રોજગારી અને ખેડૂતોની સમસ્યા મહત્વના મુદ્દા છે. જનતા આ મુદ્દાના આધારે પોતાના મતાધિકારનો પ્રયોગ કરીને પોતાનો જન પ્રતિનિધિ ચૂંટશે.
દાવ પર લાગી છે 4 મંત્રીઓની પ્રતિષ્ઠા
ચોથા તબક્કાની 59 બેઠકો માટે થઈ રહેલા મતદાનમાં 624 ઉમેદવારોની સાથે સાથે ચાર મંત્રીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કપડાં મંત્રી સ્મૃતિ ઈરાી, ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની અને શહેરી આવાસ મંત્રી કૌશલ કિશોર સામેલ છે. જેમના સંસદીય મતવિસ્તારમાં આવતી વિધાનસસભા બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે.
2017માં 51 બેઠકો પર કર્યો હતો કબજો
ચોથા તબક્કાની 59 બેઠકોમાંથી 51 બેઠકો પર હાલ ભાજપ ગઠબંધનનો કબજો છે. જેમાં ભાજપને 50 બેઠકો અને એક સીટ અપના દળ (એસ)ને મળી હતી. જ્યારે સમાજવાદી પાર્ટીને 4 બેઠકો મળી હતી. કોંગ્રેસ અને બસપાએ 2-2 સીટો જીતી હતી. કોંગ્રેસની ટિકિટ પર જીતનારા બંને વિધાયક અને બીએસપીના એક વિધાયકે હવે કેસરિયો ધારણ કરી લીધો છે. 2017ની ચૂંટણીમાં ભાજપે ચાર જિલ્લાઓમાં ક્લિન સ્વીપ કર્યું હતું. આવામાં જ્યાં ભાજપ સામે બાદશાહત ટકાવવાનો પડકાર હશે ત્યાં વિપક્ષી પાર્ટીઓને સત્તામાં આવવાનો અને પોતાનું અસ્તિત્વ બચાવવાનો ડર સતાવી રહ્યો છે.
624 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો
યુપી વિધાનસભાના ચોથા તબક્કામાં 9 જિલ્લાઓની 59 સીટો પર આજે મતદાન છે. જેમાં 624 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો ઈવીએમમાં કેદ થશે. ચોથા તબક્કામાં પીલીભીત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, ઉન્નાવ, લખનૌ, રાયબરેલી, બાંદા અને ફતેહપુરમાં ચૂંટણી સંગ્રામ છે. આ જિલ્લાઓમાં 16 બેઠકો અનુસૂચિત જાતિના ઉમેદવારો માટે અનામત છે. યુપીમાં 3 તબક્કાના થયેલા મતદાનમાં અત્યાર સુધીમાં 172 બેઠકો માટે મત પડી ચૂક્યા છે. બાકીની 231 બેઠકોમાંથી 59 બેઠકોનું ભાગ્ય પણ આજે ઈવીએમમાં કેદ થઈ જશે.
9 જિલ્લાની 59 બેઠકો માટે મતદાન
યુપી વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે 9 જિલ્લાની 59 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. યુપીનું પાટનગર લખનૌ, રાયબરેલી, પીલીભીત, લખીમપુર ખીરી, સીતાપુર, હરદોઈ, ફતેહપુર, બાંદા અને ઉન્નાવની 59 બેઠકો માટે આજે સવારે 7 વાગે મતદાન શરૂ થનાર છે.