કિસાન આંદોલન, મોંઘવારી અને બેરોજગારી પર ભારે પડ્યો પીએમ મોદીનો જાદૂ, જાણો કારણ
Election Result 2022: આજે પાંચ રાજ્યોમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યાં છે. પાંચ રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીને મોટી જીત મળી છે. આ જીતનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ ભાજપે 2019ની લોકસભા ચૂંટણીમાં બમ્પર જીત મેળવી હતી, પરંતુ ત્યારબાદ દેશમાં કોરોનાની એન્ટ્રી થઈ અને કિસાન આંદોલનની શરૂઆત થઈ હતી. આ સિવાય દેશમાં વિપક્ષે મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાને પણ મોટો બનાવ્યો હતો. એક તરફ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં કિસાન આંદોલનને મુદ્દો બનાવવામાં આવ્યો હતો તો ઉત્તરાખંડમાં ત્રણ વખત મુખ્યમંત્રી બદલવાની ચર્ચા હતા. પરંતુ આ તમામ મુદ્દા ચાલી શક્યા નહીં. અંતમાં ચૂંટણીનું પરિણામ આવ્યું તો પાંચમાંથી 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશની જીત ખુબ મહત્વની છે, જ્યાં 35 વર્ષ બાદ કોઈ પાર્ટી સત્તામાં બીજીવાર વાપસી કરી રહી છે.
આ સિવાય ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બદલવાની રણનીતિ પણ ભાજપને નડી નથી. 2000માં ઉત્તરાખંડની રચના બાદ આ પ્રથમવાર છે જ્યારે કોઈ પાર્ટીને સતત બીજીવાર સત્તા મળી છે. તો મણિપુરમાં ભાજપ મોટી પાર્ટી બનીને ઉભરી છે, નોર્થ ઈસ્ટના રાજ્યમાં પણ ભાજપ સરકાર બનાવી શકે છે. ગોવામાં પણ ભાજપે સારૂ પ્રદર્શન કર્યું છે. અહીં ભાજપ સરકાર બનાવવાની નજીક છે. પાંચ રાજ્યની ચૂંટણીમાં ભાજપનો સ્કોર 4-1 રહ્યો છે. વિપક્ષી નેતાઓ અને કેટલાક રાજકીય જાણકારોનું માનવું હતું કે મોદી મેજિક નબળો પડી રહ્યો છે, પરંતુ પરિણામે આ દાવાને ખોટો સાબિત કર્યો છે. આવો જાણીએ મોદીના જાદૂના કેટલાક કારણો...
કલ્યાણકારી યોજનાની જોવા મળી અસર
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિત તમામ રાજ્યોમાં ભાજપ તરફથી ફ્રી રાશન અને મકાન આપવાની વાત કહેવામાં આવતી હતી. પીએમ આવાસ યોજના, રાશન સ્કીમ અને ઉજ્જવલા જેવી તમામ યોજનાઓનો ભાજપે જોરશોરથી પ્રચાર કર્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તો લગભગ દરેક સભામાં જણાવતા હતા કે રાજ્યમાં 15 કરોડ લોકોને ફ્રી રાશન આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ સ્કીમ કેન્દ્ર સરકારની રહી હતી. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓએ કામ કર્યું છે અને તેની સીધી અસર ચૂંટણી પરિણામો પર પડી છે.
ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી બદલવાનો થયો ફાયદો
ઉત્તરાખંડમાં 2017માં જીત મળ્યા બાદ ભાજપે આરએસએસના પ્રચારક રહેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ અંતિમ તબક્કામાં તીરથ સિંહ રાવતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ ચૂંટણીના થોડા મહિના પહેલાં તેમને હટાવી પુષ્કર સિંહ ધામીને રાજ્યની કમાન સોંપી હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ પ્રકારની અસ્થિરતાથી ભાજપને નુકસાન થઈ શકે છે, પરંતુ ચૂંટણીનું પરિણામ આવ્યું તો ભાજપને જીત મળી છે. માનવામાં આવી રહ્યું છે કે આ મોદી મેજિક જ છે કે તમામ અસ્થિરતા બાદ પણ પાર્ટીને જીત મળી છે. આ જીત એટલી મોટી છે કે કોંગ્રેસના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હરીશ રાવત ખુદ લાલકુંઆથી ચૂંટણી હારી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube