સંભલઃ ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં સામુહિક હત્યાકાંડની ઘટના હજુ તાજી જ છે ત્યાં સંભલમાં ગુંડા તત્વોએ પોલીસ પર હુમલો કરી દીધો છે. પોલીસને લઈને જઈ રહેલી એક વાન પર ગુંડા તત્વોએ હુમલો કરી દીધો. સમગ્ર વિસ્તાર ગોળીઓના અવાજથી ધણધણી ઉઠ્યો હતો. ગુંડા તત્વો પોલીસ વાન પર ગોળીબાર કરીને 3 કેદીઓને છોડાવીને ભાગી છુટ્યા છે. આ હુમલામાં બે પોલીસ કર્મચારી શહીદ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચંદોસી કોર્ટમાં હાજરી અપાવ્યા પછી કેદીઓથી ભરેલી એક પોલીસવાન મુરાદાબાદ પાછી ફરી રહી હતી. પોલીસની વાનમાં હથિયારબંધ પોલીસ કર્મચારી પણ હતા. પોલીસની આ વાન જ્યારે સંભલ પોલીસ સ્ટેશનના બનિયાઠેર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા હથિયાબંધ લોકોએ હુમલો કરી દીધો. 


ગુંડાતત્વોએ કેદીઓથી ભરેલી પોલીસ વાન પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસ વાનમાં બેસેલા હથિયારબંધ પોલીસ કર્મચારી કંઈ સમજે એ પહેલા તો ગુંડા તત્વોએ બે પોલીસ કર્મચારીઓને મારી નાખ્યા અને 3 કેદીઓને છોડાવીને ભાગી છૂટ્યા હતા.


ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં જમીન માટે ખેલાયો લોહિયાળ જંગ, 9નાં મોત, અનેક ઘાયલ 


ગુંડા તત્વોના પોલીસ વાન પર હુમલો થવાની ઘટનાથી પોલીસ તંત્રમાં હાહાકાર મચી ગયો છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકેબંધી કરી દીધી છે. ભાગી છુટેલા કેદી અને તેમને છોડાવવા આવેલા ગુંડાતત્વોને પકડી લેવા માટે પોલીસે પોતાની ટીમો કામે લગાડી છે. રાજ્યના મુખ્યમંત્રીએ મૃત પોલીસ જવાન માટે રૂ.50-50 હજારના વળતરની જાહેરાત કરી છે. 


ઉત્તરપ્રદેશમાં એક જ દિવસમાં થયેલી બે મોટી ઘટનાઓએ સરકારની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નચિન્હ ઊભું કરી દીધું છે. રાજ્યમાં ગુંડાતત્વો જે રીતે બેફામ બની રહ્યા છે ત્યારે નાગરિકોની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....