વિવેક તિવારીની પત્નીને નોકરી અને 25 લાખનું વળતર આપશે યોગી સરકાર
લખનઉ કલેક્ટરે જાહેરાત કરતા જણાવ્યું કે, જો પરિવારજનો ઈચ્છે છે કે કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવે તો સરકાર તેના માટે તૈયાર છે
લખનઉઃ વિવેક તિવારી હત્યાકાંડ અંગે લખનઉના કલેક્ટરે જાહેરાત કરતા જણાવ્યું છે કે, વિવેકના પરિવારજનોની બધી જ માગણી સ્વિકારી લેવાઈ છે. સરકારે વિવેક તિવારીના પરિવારને વળતર પેટે રૂ.15 લાખ આપ્યા છે. આ ઉપરાંત, તેમની પત્નીને સરકારી નોકરી આપવામાં આવશે. આગામી 30 દિવસના અંદર સમગ્ર કેસની તપાસ કરી લેવાશે. જો પરિજનો ઈચ્છે છે કે, કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવે તો સરકાર તેના માટે પણ તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ વિવેકના ભાઈએ જણાવ્યું હતું કે, અમારી સરકાર પાસે ત્રણ માગણી છે. કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે, તેમની પત્નીને સરકારી નોકરી આપવામાં આવે અને યોગ્ય વળતરની વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ, અમારી ઈચ્છા છે કે મુખ્યમંત્રી યોગી પરિવારની મુલાકાત લે. જો, તેઓ અહીં નહીં આવે તો અમે વિવેદનો મૃતદેહ લઈને મુખ્યમંત્રી આવાસ પહોંચીશું.
પરિવારજનોની અંતિમ માગણી અંગે હાલ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી કે મુખ્યમંત્રી યોગી તેમના ઘરે જઈ રહ્યા છે કે નહીં. આ ઘટના અંગે મુખ્યમંત્રી યોગીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે આ કોઈ એનકાઉન્ટર નથી. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, જો જરૂર જણાશે તો સીબીઆઈ તપાસના આદેશ પણ આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, વિવેક તિવારીની પત્ની કલ્પના તિવારીએ પણ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પરિજનોએ વળતર તરીકે રૂ.1 કરોડ અને પોલીસ વિભાગમાં એક નોકરીની માગણી કરી હતી. વિવેક તિવારી સુલ્તાનપુર જિલ્લાનો રહેવાસી હતો. તે પોતાના પરિવાર સાથે લખનઉમાં રહેતો હતો અને એપ્પલ કંપનીમાં એરિયા સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતો હતો.
શુક્રવારે રાત્રે મકદૂમપુર પોલીસ ચોકી પાસે કારમાં જઈ રહેલા વિવેકને એક પોલીસ કર્મચારીએ ગોળી મારી દીધી હતી. આ અંગે પોલીસનું કહેવું છે કે, તેમણે કાર રોકવા ઈશારો કર્યો હતો, પરંતુ કાર અટકી નહીં અને કારને પોલીસ કર્મચારીઓ પર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો.
જોકે, વિવેક સાથે કારમાં બેસેલી તેની સાથી કર્મચારીએ જણાવ્યું કે, અમે કારમાં જઈ રહ્યા હતા અને પોલીસ રોંગ સાઈડમાંથી અમારી કાર સામે આવી ગઈ હતી. પોલીસ ખોટી રીતે અમારા ઉપર ગુસ્સે થઈ હતી. આ મહિલાની હાજરીમાં જ વિવેક ઉપર પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં તેનું મોત થઈ ગયું હતું.