UPનું મુગલસરાય સ્ટેશન હવે દીનદયાલ ઉપાધ્યાય જંક્શન તરીકે ઓળખાશે
રેલ્વે જંક્શનના નવા નામની જાહેરાત કરવાની સાથે સાથે તેના યાર્ડને સ્માર્ટ યાર્ડ બનાવવા જેવી બીજી જાહેરાતો પણ થઇ
નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના મુગલસરાય જંક્શનનું નામ આજથી બદલી ગયું છે. હવે તે ઐતિહાસિક રેલ્વે સ્ટેશન પંડિત દીનદયાલ ઉપાધ્યાયનાં નામથી ઓળખાશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુગલસરાયમાં આજે અધિકારીક રીતે તેની શરૂઆત કરી. આ દરમિયાન રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં અમિત શાહ ઉપરાંત રેલ્વે રાજ્યમંત્રી મનોજ સિન્હા, ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય તથા અન્ય વરિષ્ઠ ભાજપ નેતા પણ હાજર રહ્યા.
સમગ્ર સ્ટેશન ભગવા રંગે રંગાયું
આ તરફ આખા રેલ્વે સ્ટેશને કેસરિયા રંગમાં રંગાયું છે અને પરિસરમાં પ્રવેશવા અને નિકળવાના માર્ગના સાઇનબોર્ડની સાથે-સાથે પ્લેટફોર્મનાં નામ પણ બદલવામાં આવી રહ્યા છે. એકાત્મ માનવવાદનો સંદેશ આપનારા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વિચારક દીનદયાલ ઉપાધ્યાય ફેબ્રુઆરી, 1968માં મુગલસરાય રેલ્વે સ્ટેશન પાસે શંકાસ્પદ અવસ્થામાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ઉત્તરપ્રદેશ સરકારે આ વર્ષે જુનમાં મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ દીનદયાલ ઉપાધ્યાયનાં નામે રાખવાનો નિર્ણય લીધો હતો. મંત્રિપરિષદની બેઠકમાં મંજુરી બાદ આ પ્રસ્તાવને રેલ્વે મંત્રાલય પાસે મોકલી આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે લોકોને સંબોધિત કરતા કહ્યુ કે, આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની સ્મૃતિમાં મુગલસરાયમાં જે વિકાસ કાર્યોની શરૂઆત થઇ છે, તેના માટે હું ઉત્તરપ્રદેશની યોગી સરકાર અને
કેન્દ્રની મોદી સરકારનો આભાર માનું છું.
શાહે કહ્યું કે, યોગીજીની સરકારમાં આજે ઉત્તરપ્રદેશનું માફિયા રાજ સંપુર્ણ રીતે નષ્ટ થઇ ચુક્યું છે. ચંદોલીથી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેએ કહ્યું કે, એકાત્મ માનવવાદ જેવી પ્રગતિશીલ વિચારધારા દેનારા પંડિત દીન દયાલ ઉપાધ્યાયના નામે મુગલસરાય જંક્શનનું નામકરણ કરાવવા અંગે માત્ર ચંદોલી જ નહી પરંતુ સમગ્ર દેશમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
શાહે કહ્યું કે, ઉપાધ્યાય મહાન ચિંતક હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલી રહેલ કેન્દ્ર સરકાર તથા ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર તેની જ વાતોને ધ્યાનમાં રાખીને સામાન્ય લોકોના કલ્યાણ માટે નીતિઓનું નિર્માણ કરી રહ્યા છે.