લખનઉ: એપ્રિલમાં પૂરી થતી ટર્મની રાજ્યસભાની 58 બેઠકો માટે જે ચૂંટણી યોજાઈ રહી છે તેમાંથી 33 સભ્યો નિર્વિરોધ ચૂંટાઈ આવ્યાં છે જ્યારે બાકીની 25 બેઠકો માટે આજે મતદાન થવા જઈ રહ્યું છે. જે છ રાજ્યોની રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે  તેમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, ઝારખંડ, છત્તીસગઢ તેલંગણા સામેલ છે. ખાલી પડી રહેલી બેઠકોમાં 17 ભાજપની અને 12 કોંગ્રેસ પાર્ટીની છે. ત્રણ નોમિનેટેડ સભ્યો અભિનેત્રી રેખા, ક્રિકેટર સચિન તેંદુલકર અને સોશિયલ વર્કર અનુ અગા એપ્રિલમાં રિટાયર્ડ થઈ રહ્યાં છે. યુપીની 10 બેઠકો માટે જે મતદાન થવાનું છે તે અત્યંત રોમાંચક બન્યું છે. જેલમાં બંધ બાહુબલી બીએસપી ધારાસભ્ય મુખ્તાર અંસારીના મતદાન પર કોર્ટ દ્વારા રોક અને જેલમાં નિરુદ્ધ સપા ધારાસભ્ય હરિઓમ યાદવના મત આપવા દેવા અંગે શંકા ઊભી થયા બાદ હવે બીએસપીના ઉમેદવારની જીતનો મદાર અપક્ષ ધારાસભ્યોના વલણ અને વિપક્ષની એકજૂથતા પર ટકેલો છે. આ ચૂંટણી આગામી લોકસભાની ચૂંટણી માટે પ્રદેશની બે મોટી રાજકીય તાકાતો સપા અને બસપાના ગઠબંધનની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને મહત્વની બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલાહાબાદ કોર્ટના જજ રાજુલ ભાર્ગવે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા દાખલ અરજી પર ગુરુવારે સુનાવણી કરી. જેલમાં બંધ બીએસપી ધારાસભ્ય મુખ્તાર અંસારીને રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરવા પર રોક લગાવી. આ ઉપરાંત જેલમાં બંધ સપા ધારાસભ્ય હરિઓમ યાદવના પણ આજની ચૂંટણીમાં મત નહીં આપવા અંગે આશંકા છે. તેનાથી બીએસપી ઉમેદવાર ભીમરાવ આંબેડકરને જીતાડવામાં લાગેલી સપા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકદળનું ગણિત બગડી શકે છે.


અપક્ષો મહત્વની ભૂમિકા ભજવશે
વિપક્ષને હવે ત્રણ અપક્ષ ધારાસભ્યો રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજાભૈયા, વિનોદ સરોજ અને અમનમણિ ત્રિપાઠીની મદદની જરૂર પડશે. આમાથી રાજાભૈયા અને વિનોદ સરોજ સપાનો સાથ આપે તેવી પૂરેપૂરી સંભાવના છે પરંતુ આમ છતાં વિપક્ષ પાસે એક મતની કમી રહેશે.


સપાના વિધાન પરિષદના સભ્ય આનંદ ભદૌરિયાએ ગુરુવારે રાતે મીડિયાને જણાવ્યું કે ભલે મુખ્તાર અંસારી અને હરિઓમ યાદવ મતદાન ન કરી શકે અને સપા છોડીને ભાજપમાં ગયેલા નરેશ અગ્રવાલના સપા ધારાસભ્ય પુત્ર નીતિન અગ્રવાલ ભાજપને મત આપે પરંતુ આમ છતાં અમે બીએસપી ઉમેદવારને જીતાડીશું. પોતાના આ ભરોસા પર સવાલ પૂછાતા તેમણે કહ્યું કે જો ભાજપ પોતાના નવમાં ઉમેદવારને જીતાડવા માટે હાથપગ મારી રહ્યો હોય તો અમે પણ કઈંક તો કરીશું.



એક સાથે જોવા મળ્યાં મુલાયમ, શિવપાલ, અખિેલેશ અને આઝમ
આ દરમિયાન રાજ્યસભાની ચૂંટણીની બરાબર  પહેલા દિલ્હીમાં રાજકીય તાપમાન ચરમસીમાએ પહોંચી ગયું. સપાએ ગુરુવારે પોતાના ધારાસભ્યો, સાંસદો અને વરિષ્ઠ નેતાઓને ડિનર પર આમંત્રિત કર્યા હતાં. જેમાં સપા સંસ્થાપક મુલાયમ સિંહ, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, મુખ્ય મહાસચિવ રામ ગોપાલ યાદવ, મુલાયમના ભાઈ ધારાસભ્ય શિવપાલ યાદવ, અને આઝમ ખાન ઘણા સમય પછી એકસાથે જોવા મળ્યાં. અખિલેશે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે આ તમારા માટે સારી ખબર છે અને અમારા માટે પણ સારી ખબર છે. રાજ્યસભા ચૂંટણીનું પરિણામ અમારી ઈચ્છા મુજબ જ હશે.


આ બાજુ બીએસપી પ્રમખ માયાવતીએ પણ ધારાસભ્યો સાથે બેઠક  કરી. બેઠકમાં સામેલ ધારાસભ્ય મોહમ્મદ અસલમ આઈનીએ પત્રકારોને જણાવ્યું કે બેઠકમાં મુખ્તાર અંસારી સિવાય પાર્ટીના તમામ 18 ધારાસભ્યો સામેલ હતાં. બેઠકમાં મતદાન કરવાની પદ્ધતિ બતાવવામાં આવી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે શુક્રવારે બીએસપી ઉમેદવાર જરૂર જીતશે.


આ બાજુ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પણ ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓની બેઠક થઈ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેઠકમાં રાજ્યસભા ચૂંટણીને લઈને પાર્ટીની રણનીતિ પર વિચાર વિમર્શ કર્યો. આ અગાઉ કોંગ્રેસે પણ રાજ્યસભા ચૂંટણી માટે પોતાની તૈયારીઓ હેઠળ વિધાયકોને બપોરના ભોજન પર બોલાવ્યાં હતાં. કોંગ્રેસ રાજ્યસભા ચૂંટણીમાં બીએસપીના ઉમેદવારને અગાઉથી સમર્થન જાહેર કરી ચૂકી છે.



શું બખેડો ઊભો થયો છે?
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભામાં એક ઉમેદવારને જીતાડવા માટે 37 ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. પ્રદેશની 403 સભ્યોની વિધાનસભામાં સપા પાસે 47 સભ્યો છે. તેની પાસે પોતાના ઉમેદવાર જયા બચ્ચનને ચૂંટણી જીતાડ્યા બાદ પણ આમ જોવા જાવ તો 10 મત બચે છે. બીએસપી પાસે હવે 18 મતો છે જ્યારે કોંગ્રેસ પાસે સાત અને રાષ્ટ્રીય લોક દળ પાસે એક મત છે.


આ બાજુ 324 ધારાસભ્યો ધરાવતી ભાજપ આઠ બેઠકો આરામથી જીતી શકે તેમ છે પરંતુ આમ છતાં ભાજપે 10 બેઠકો માટે 9 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જે વિપક્ષ માટે ચિંતાનો વિષય બન્યો છે.  કારણ કે જો ક્રોસ વોટિંગ થયું તો વિપક્ષ માટે મુશ્કેલી ઊભી થશે. ભાજપ પોતાના આઠ ઉમેદવારોને જીતાડે ત્યારબાદ પણ 28 મતો બચે છે. જ્યારે તેના નવમાં ઉમેદવારની જીતવાની સંભાવના દેખાઈ રહી છે. રાજ્યસભા ચૂંટણી માટે મતદાન શુક્રવારે 23 માર્ચના રોજ થશે અને પરિણામ પણ આજે જ જાહેર થશે.