`ફેક ન્યૂઝ` ફેલાવવાનાં આરોપમાં JNUની એક્ટિવિસ્ટ શેહલા રાશિદ પર કેસ દાખલ
શેહલા પર આરોપ છે કે તે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વીટર દ્વારા ભ્રામક સમાચાર ફેલાવી રહી છે, શેહલાએ ટ્વીટ કરીને દેહરાદૂનમાં કાશ્મીરી વિદ્યાર્થીનીઓને બંધક બનાવી હોવાની વાત કરી હતી
દેહરાદુન : જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી (જેએનયુ)ની વિદ્યાર્થીની અને ચર્ચિત એક્ટિવિસ્ટ શેહલા રશિદ પર સોમવારે દેહરાદુનનાં પ્રેમનગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પોલીસે શેહલા રાશિદની વિરુદ્ધ ધાર્મિક ભાવના ભડકાવવાનો કેસ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શેહલા પર આરોપ છે કે તે માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વીટર દ્વારા ભ્રામક સમાચારો ફેલાવી રહી હતી. શેહલાએ ટ્વીટ કરીને દેહરાદુનમાં કાશ્મીરી વિદ્યાર્થીનીઓને બંધક બનાવાઇ હોવાની વાત કરી હતી.
શેહલા રાશિદે 16 ફેબ્રુઆરીના રોજ ઉતરાખંડ પોલીસને ટેગ કરતા ટ્વીટ કર્યું કે, દેહરાદુનની એક હોસ્ટેલમાં 15-20 કાશ્મીરી વિદ્યાર્થીનીઓ કલાકોથી ફસાયેલી છે. ટ્વીટ અનુસાર હોસ્ટેલને ઉત્તેજીત ટોળાએ ઘેરી રાખી છે. ટોળા દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે તેમને હોસ્ટેલમાંથી કાઢી મુકવામાં આવે. તેમણે હોસ્ટેલનું નામ ડોલ્ફિન ઇંસ્ટીટ્યુટ હોવાનું જણાવ્યું હતું. તેણે ટ્વીટમાં લખ્યું હતું કે, પોલીસ ઘટના સ્થળ પર હાજર છે પરંતુ ટોળાને કાબુ કરી શકે તેમ નથી.
બીજી તરફ તેના ટ્વીટનો જવાબ આપતા ઉતરાખંડ પોલીસે લખ્યું કે, આ સમાચાર ખોટા છે. પોલીસે આ મુદ્દો ઉકેલી નાખ્યો છે. ત્યાં કોઇ પણ પ્રકારનું ટોળું નથી. શરૂઆતમાં એવા આરોપ લગાવાઇ રહ્યા હતા કે, કેટલીક કાશ્મીરી વિદ્યાર્થીઓએ પાકિસ્તાનના સમર્થનમાં નારા લગાવ્યા હતા. પોલીસે દેવરાજ નામના વ્યક્તિની ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો છે. એસપી સિટી શ્વેતા ચોબેએ આ અંગે માહિતી આપતા કહ્યું કે, પોલીસ સમગ્ર મુદ્દે તપાસ કરી રહી છે.