વાજપેયીજીની રાખને યુપીની દરેક નદીમાં પ્રવાહીત કરવામાં આવશે: યોગી
વાજપેયીજીના નિધન અંગે શુક્રવારે ઉત્તરપ્રદેશમાં રજાની જાહેરાત કરવમાં આવી, તમામ સરકારી શાળા-કોલેજ અને ઓફીસ એક દિવસ બંધ રહેશે
નવી દિલ્હી : છેલ્લા બે મહિનાઓથી દિલ્હીની એમ્સમાં દાખલ પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 16 ઓગષ્ટની સાંજે 05.05 વાગ્યે અંતિમશ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેઓ 11 જુનથી એમ્સમાં દાખલ હતા. 15 ઓગષ્ટે તેમની તબિયત અચાનક ખરાબ થવા લાગી હતી. ડોક્ટરોનાં અનુસાર તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા, પરંતુ તેમની તબિયતમાં કોઇ જ સુધારો થયો નહોતો. આખરે ગુરૂવારે સાંજે તેમણે ફાની દુનિયાને અલવિદા કરી હતી.
તેમના નિધન બાદ સમગ્ર દેશમાં શોકની લહેર દોડી ગઇ. કેન્દ્ર સરકાર દ્વારા વાજપેયીનાં સન્માનમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશ સરાકરે પણ શુક્રવારે રજાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વાજપેયીનાં નિધન અંગે શોક વ્યક્ત કરતા કહ્યું કે, તેમણે અંગત હિતથી આગળ વધીને હંમેશા દેશહિતમાં કામ કર્યું હતું. વાજપેયી દેશમાં રાજનીતિક સ્થિરતા લાવ્યા હતા. યોગીએ કહ્યું કે, વાજપેયીજી ભારતીય રાજનીતિમાં મૂલ્યો અને આદર્શોને પ્રાથમિકતા દેનારા સ્વતંત્ર ભારતનાં માળખાગત વિકાસનાં દૂરદ્રષ્ટા હતા. ભારતની લોકશાહીના ઇતિહાસમાં અટલજી જેવું વિરાટ વ્યક્તિત્વ મળવું મુશ્કેલ છે. તેમણે કહ્યું કે, ભારતીય રાજનીતિનાં શલાકા પુરૂષ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન ભારતની રાજનીતિના મહાયુગનું અવસાન છે.
મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, વાજપેયીજીનાં નિધન અંગે શુક્રવારે ઉત્તરપ્રદેશમાં રજાની જાહેરાત કરવામાં આવી છે. તમામ સરકારી ઓફીસ અને શાળા-કોલેજ કાલે બંધ રહેશે. તેમણે કહ્યું કે વાજપેયીજીનાં પાર્થીવ શરીરની રાખને યુપીની તમામ નદીઓમાં પ્રવાહિત કરવામાં આવશે.