8th Pay Commission: આઠમા પગાર પંચ પર આવ્યા મોટા અપડેટ, શું પગાર વધારવા પર લાગશે મહોર?
શિવગોપાલ મિશ્રાના જણાવ્યાં મુજબ કર્મચારીઓના યુનિયનોએ સરકારને પહેલેથી જ બે મેમોરેન્ડમ આપેલા છે જેમાં જેમ બને તેમ જલદી આઠમા પગાર પંચની રચના કરવાની માંગણી કરાઈ છે. સાતમું પગાર પંચ 2014માં બન્યું હતું અને તેની ભલામણો 2016માં લાગૂ થઈ હતી
કેન્દ્રીય કર્મચારીઓની સર્વિસ શરતો પર ચર્ચા માટે બનાવવામાં આવેલી જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM) ની બેઠક આગામી મહિને થવાની છે. જેમાં આઠમા પગાર પંચની રચના પર વાત થઈ શકે છે. ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના પ્રમુખ અને JCMના નેશનલ કાઉન્સિલના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે બેઠક આગામી મહિને થશે અને આઠમા પગાર પંચ પર કેટલીક સ્પષ્ટતાઓ થાય તેવી અપેક્ષા છે. કર્મચારી એસોસિએશનના લોકો આ મુદ્દાને ઉઠાવશે.
કર્મચારી સંગઠનોની માંગણી
શિવગોપાલ મિશ્રાના જણાવ્યાં મુજબ કર્મચારીઓના યુનિયનોએ સરકારને પહેલેથી જ બે મેમોરેન્ડમ આપેલા છે જેમાં જેમ બને તેમ જલદી આઠમા પગાર પંચની રચના કરવાની માંગણી કરાઈ છે. સાતમું પગાર પંચ 2014માં બન્યું હતું અને તેની ભલામણો 2016માં લાગૂ થઈ હતી. જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં લગભગ 23 ટકાનો વધારો થયો હતો. સામાન્ય રીતે દર 10 વર્ષે એક નવું પગાર પંચ બનાવવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે એ ફરજિયાત નથી.
પગાર પંચનું મુખ્ય કામ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના પગાર, ભથ્થા અને અન્ય સુવિધાઓની સમીક્ષા, સુધાર અને ભલામણ કરવાનું હોય છે. પહેલું પગાર પંચ 1946માં બન્યું હતું અને અત્યાર સુધીમાં સાત પગાર પંચ બની ચૂક્યા છે.
આઠમા પગાર પંચની જરૂરિયાત
IRTSA એ એમ પણ કહ્યું કે સાતમા પગાર પંચે સૂચન આપ્યું હતું કે પગાર મેટ્રિક્સની સમયાંતરે સમીક્ષા થવી જોઈએ, 10 વર્ષ રાહ જોવી જોઈએ નહીં. 2016માં સાતમા પગાર પંચની ભલામણો લાગૂ થયા બાદ સરકારી કામકાજ, અર્થવ્યવસ્થા, અને સેવાઓની માંગણીમાં ઘણો બદલાવ આવ્યો છે. આથી સંગઠને પોતાના પત્રમાં કહ્યું કે નવા પગાર પંચે આ બદલાતા હાલતો મુજબ ભલામણો કરવી જોઈએ.
શું કહે છે સરકાર?
સરકાર તરફથી હજુ આ મુદ્દે કોઈ સ્પષ્ટ નિવેદન આવ્યું નથી. પરંતુ JCM ની આગામી બેઠકમાં આઠમા પગાર પંચ પર ચર્ચા થાય એવી આશા છે. જો સહમતિ બને તો તે સરકારી કર્મચારીઓ માટે મોટી રાહત અને સારા સમાચાર હશે.