UPSC Civil Services Final Result 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આજે સિવિલ સેવા પરીક્ષાના ફાઈનલના પરિણામ જાહેર કરી દેવાયા છે. જેમણે પરીક્ષા આપી હોય તેઓ પોતાના પરિણામ યુપીએસસીની અધિકૃત વેબસાઈટ upsc.gov.in પર જઈને ચેક કરી શકે છે. આ વખતે ટોપ 3માં ત્રણેય ત્રણ છોકરીઓ છે. શ્રુતિ શર્માએ ફાઈનલ પરિણામમાં ઓલ ઈન્ડિયા પ્રથમ ક્રમ મેળવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે યુપીએસસીના જાહેર થયેલા પરિણામમાં મહિલાઓનો દબદબો જોવા મળી રહ્યો છે. શ્રુતિ શર્માએ આ પરીક્ષામાં ટોપ કર્યું છે જ્યારે ટોપ 3માં અન્ય બે યુવતીઓમાં અંકિતા અગ્રવાલ અને ગામિની સિંગલાનો સમાવેશ થાય છે. ચોથા નંબરે પણ મહિલા જ છે જેનું નામ એશ્વર્યા વર્મા છે. પાંચમા નંબરે ઉત્કર્ષ દ્વિવેદી છે. યક્શ ચૌધરી છઠ્ઠા નંબરે, આઠમા નંબરે ઈશિતા રાઠી, નવમા નંબરે પ્રીતમ કુમાર અને દસમા નંબરે હરકીરત સિંહ રંધાવા છે. 



ટોપર શ્રુતિ વિશે વાત કરીએ તો શ્રુતિ સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયની પૂર્વ વિદ્યાર્થીની છે અને જામિયા મિલિયા ઈસ્લામિયા આવાસીય કોચિંગ એકેડેમીમાં યુપીએસસી સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરી રહી હતી. કુલ 685 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી. જેમાંથી 244 જનરલ કેટેગરીના છે. 73 ઈડબલ્યુએસ, 203 ઓબીસી, 105 એસસી અને 60 એસટી કેટેગરીના છે. ઈન્ટરવ્યુ અને મુખ્ય પરીક્ષામાં પ્રદર્શનના આધારે મેરિટ બહાર પાડવામાં આવ્યું છે. 


અત્રે જણાવવાનું કે સિવિલ સેવાની પરીક્ષાઓનું આયોજન દર વર્ષે UPSC દ્વારા કરાવવામાં આવે છે. દર વર્ષે IAS અને IPS ઓફિસર બનવા માટેના સપના જોતા લાખો ઉમેદવારો યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા આપે છે. આ પરીક્ષા દેશની સૌથી પડકારજનક સ્પર્ધાત્મક પરીક્ષામાંથી એક ગણાય છે. ત્રણ સ્ટેજ પ્રી, મેઈન અને ઈન્ટરવ્યુ બાદ પરિણામોની જાહેરાત કરવામાં આવે છે. મુખ્ય પરીક્ષા અને ઈન્ટરવ્યુમાં પ્રદર્શનના આધારે ફાઈનલ મેરિટ યાદી બહાર પાડવામાં આવે છે. યુપીએસસી સિવિલ પરીક્ષા દ્વારા ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસિઝ (આઈએએસ), ભારતીય પોલીસ સર્વિસિઝ (આઈપીએસ) અને  ભારતીય ફોરેન સર્વિસિઝ (આઈએફએસ), રેલવે ગ્રુપ એ (ઈન્ડિયન રેલવે એકાઉન્ટ સર્વિસ), ઈન્ડિયન પોસ્ટલ સર્વિસિઝ, ભારતીય પોસ્ટ સેવા, ઈન્ડિયન ટ્રેડ સર્વિસિઝ સહિત અને સેવાઓ માટે પસંદગી થાય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube