UP Murder-Rape Case: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લાના નિઘાસનમાં બુધવારે સાંજે એક ખેતરમાંથી બે સગી બહેનોના મૃતદેહ ઝાડ પર લટકેલા મળી આવતા હડકંપ મચી ગયો છે. બંને છોકરીઓ દલિત સમુદાયની હતી. આ મામલે ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. આ લોકો પર પોક્સો એક્ટ હેઠળ રેપ અને હત્યાની કલમો લગાડવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેવી આ ઘટના સામે આવી કે સ્થાનિકોના નિઘાસન ચાર રસ્તે ટોળે ટોળા ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન ચાલુ થયુ. છોકરીઓની માતાએ બાજુના ગામમાં રહેતા ત્રણ યુવકો પર તેમની પુત્રીઓનું અપહરણ કરીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે આ મુદ્દે પ્રદેશની કાયદા અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. 


પોલીસે આપ્યો કાર્યવાહીનો ભરોસો
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે બુધવાર સાંજે નિઘાસન કોટવાલી હદના એક ગામથી થોડે અંતરે શેરડીના ખેતરમાં ઝાડ પર બે છોકરીઓના મૃતદેહ લટકેલી હાલતમાં મળ્યા. બંને છોકરીઓ દલિત સમુદાયની છે. એસપી સંજીવ સુમન અને એડિશનલ એસપી અરુણકુમાર સિંહ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને નારાજ ગ્રામીણોને યોગ્ય કાર્યવાહીનો ભરોસો અપાવ્યો હતો. 


માતાએ લગાવ્યો ગંભીર આરોપ
સૂત્રોએ જણાવ્યું કે મૃત છોકરીઓની માતાનો આરોપ છે કે બાજુના ગામમાં રહેતા ત્રણ યુવકોએ તેમની પુત્રીઓનું ઝૂપડી પાસેથી અપહરણ કર્યું અને ત્યારબાદ તેમની હત્યા કરી નાખી. માતાના જણાવ્યાં મુજબ 15 અને 17 વર્ષી બે દીકરીઓ સાથે તે બુધવારે ઘરની બહાર બેઠી હતી. થોડીવાર બાદ દીકરીઓને બહાર છોડીને તે કપડા નાખવા માટે ઘરની અંદર ગઈ અને તે સમયે બાઈક સવાર ત્રણ યુવક ત્યાં આવ્યા. ત્રણમાંથી બે અલગ અલગ યુવકોએ તેમની દીકરીઓને ઢસડી અને એક યુવકે બાઈક સ્ટાર્ટ કરી અને બંનેને લઈને ત્યાંથી ફરાર થઈ ગયા. થોડીવાર બાદ તેમણે જણાવ્યું કે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે અને મોતનું વાસ્તવિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ ખબર પડી શકશે. પોલીસ આ મામલે તપાસમાં લાગી છે. 


સપા-કોંગ્રેસે સરકારને ઘેરી
આ બધા વચ્ચે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરી. અખિલેશ યાદવે આ ઘટનાની સરખામણી હાથરસ કાંડ સાથે કરતા ટ્વીટ કરીને કહ્યું કે 'નિઘાસન પોલીસ મથક હદમાં બે દલિત બહેનોનું અપહરણ કર્યા બાદ તેમની હત્યા અને ત્યારબાદ પોલીસ પર પિતાનો એ આરોપ ખુબ જ ગંભીર છે કે પંચનામા અને સહમતિ વગર તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. લખીમપુરમાં ખેડૂતો બાદ હવે દલિતોની હત્યા 'હાથરસની દીકરી' હત્યાકાંડનું જઘન્ય પુનરાવર્તન છે'.  


બીજી બાજુ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ કહ્યું કે 'લખીમપુરમાં બે બહેનોની હત્યાની ઘટના હચમચાવી નાખનારી છે. પરિજનોનું કહેવું છે કે તે છોકરીઓનું ધોળે દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું. રોજ અખબારો અને ટીવીમાં ખોટી જાહેરાતો આપવાથી કાયદો વ્યવસ્થા સારી થઈ જતી નથી. આખરે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ જઘન્ય અપરાધ  કેમ વધી રહ્યા છે? ક્યારે જાગશે સરકાર?'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube