ઉત્તરકાશી : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક ખાનગી કંપનીની બસ મોટી દુર્ઘટનાનો શિકાર થઇ ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ બસ ઉત્તરકાશીથી વિકાસનગર જઇ રહી હતી ત્યારે ડામટા નજીક અનિયંત્રિત થઇને ખાઇમાં ખાબકી હતી, જેના કારણે ઘટના પર જ 11 યાત્રીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 13 યાત્રીઓ ઘાયલ થયા હતા. બસ ખાઇમાં ખાબક્યા બાદ આસપાસનાં લોકોએ પોલીસને આ અંગે માહિતી આપી હતી. ત્યાર બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ કરવામાં આવ્યું. બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ ત્યારે પહેલા ખાઇમાં ત્યાર બાદ યમુનામાં ખાબકી હતી. જેના કારણે તમામ મૃતકોને તથા ઘાયલોને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. તમામ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ડામટા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. 

ઘાયલોની હાલત ગંભીર
મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના આશરે 12.30 વાગ્યાની છે. આ બસ સવારે જાનકીચટ્ટીથી બડકોટ થતા વિકાસનગર જઇ રહી હતી ત્યારે જ આ દુર્ઘટના થઇ હતી. ઘાયલ યાત્રીઓનાં અનુસાર બસ જ્યારે ડામટાની નજીક પહોંચી ત્યારે ડ્રાઇવર બસે સંતુલન ગુમાવ્યું અને બસ આશરે 250 ફુટ નીચે ખાઇમાં ખાબકી હતી. દુર્ઘટના સમયે બસમાં 30થી 32 યાત્રીઓ બેઠેલા હતા. દુર્ઘટના બાદ જે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમાંથી 5ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. 
મૃતકોની સંખ્યા વધી શકે છે
આ દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ ઉતરકાશી DRM,SDRF, ITBP અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા અને રેસક્યુ ઓપરેશન ચાલુ કર્યું. પોલીસ આસપાસનાં વિસ્તારમાં પણ તપાસ કરી રહી છે. પોલીસને આશંકા છે કે ઝાડી ઝાંખરાઓમાં પણ લોકો ફસાયેલા હોઇ શકે છે. પોલીસના અનુસાર મરનારાઓની સંખ્યા હજી પણ વધી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ પર 2017માં પણ એક મોટી દુર્ઘટના ઘટી ચુકી છે. જેમાં 47થી વધારે લોકોનાં મોત થયા હતા. 2017માં થયેલી તે ઘટના પાછળના મોટુ કારણ બસની હાલત હોવાનું જણાવાઇ રહ્યું છે.