ઉત્તરાખંડની તબાહી બાદ આખી વાદી કાદવથી ભરાઈ, ડ્રોનથી લેવાયેલા આ ફૂટેજ જોઈ વિશ્વાસ નહિ થાય
- ગુજરાતની ખાનગી ડ્રોન કંપનીની મદદ ઉત્તરાખંડ સરકાર દ્વારા લેવાઈ છે
- કંપની દ્વારા જે ડ્રોન ફૂટેજ લેવામાં આવ્યા તેમાં વાદીની શુ હાલત થઈ છે તે જોઈ શકાય છે
તેજસ દવે/મહેસાણા :ઉત્તરાખંડમાં ઘટેલી ગ્લેશિયર તૂટવા (Uttarakhand Glacier Burst) ની હોનારત ક્યારેય ભૂલાય તેમ નથી. ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાથી આવેલી તબાહી બાદ હવે સમગ્ર ફોકસ રાહત-બચાવ કામગીરી પર છે. સૌથી મોટી મુશ્કેલી તપોવનની ટનલમાં આવી રહી છે. જ્યાં અંદાજે 35 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. ટનલ કીચડથી ભરાઈ ગઈ છે. આવામાં અંદર જવા માટે બહુ જ મુશ્કેલી આવી રહી છે. પરંતુ રેસ્ક્યૂ કરનારી ટીમનું મિશન હજી પણ ચાલુ છે. ઉત્તરાખંડની આ ઘટનામાં અત્યાર સુધી 31 મૃતદેહ મળી આવ્યા છે. આ વચ્ચે ઉત્તરાખંડ ગ્લેશિયર હોનારતનો એક વીડિયો સામે આવ્યો છે. ગુજરાતની ડ્રોન કંપનીએ લીધેલો આ વીડિયો છે, જે બહુ જ શોકિંગ છે.
ચમોલી (Chamoli Glacier Burst) ની ઘટનામા મરનારાઓની સંખ્યા 31 પર પહોંચી છે. જ્યારે કે, 171 લોકોની શોધ હજી પણ ચાલુ છે. આજે રેસ્કયૂમાં પાંચ મૃતદેહ મળી આવ્યા છે. તપોવનની ટનલમાં ઘૂસવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ અંદર જવા માટે સફળતા મળી નથી. પરંતુ હાલ આ હોનારત બાદની રેસ્ક્યૂ કામગીરી (Rescue Operation) નો વીડિયો સામે આવ્યો છે. ગુજરાતની ખાનગી ડ્રોન કંપનીના ડ્રોન કેમેરાની મદદ ઉત્તરાખંડ સરકારે લીધી છે. કંપનીએ બનાવેલ વીડિયો ઝી 24 કલાક સાથે શેર કર્યો છે.
ઉત્તરાખંડ (Uttarakhand) સરકાર દ્વારા રેસ્ક્યૂ કામગીરી માટે જે ડ્રોન કેમેરાની મદદ લેવાઈ છે, તે મહેસાણાની પ્રાઈમ યુએવી કંપનીના કેમેરા છે. જેમાં ટનલથી માંડીને નદીના ડ્રોન ફૂટેજ સામે આવ્યા છે. હાલમાં રેસ્ક્યૂમાં ડ્રોનની મદદ લેવાઇ રહી છે. હાલમાં રેસ્ક્યૂ દરમિયાન પ્રાઈમ યુએવી ડ્રોન કંપનીનું ડ્રોન સ્થળ ઉપર હાજર છે.
આ ઘટના વિશે ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું કે, ટનલમાંથી કીચડનો કાટમાળ ક્યારે હટાવી શકાશે તે વિશે હજી કંઈ કહી શકાતુ નથી. અમે એન્જિનિયર્સને ટનલમાં જવા માટે વૈકલ્પિક રસ્તો બનાવવા કહ્યું છે. અમે આજે તેન પ્રયોગ કરીને જોઈશું. ટનલ 2.5 કિલોમીટર લાંબી છે. તેથી એવુ ન વિચારો કે તેમાં પાણી અને ઓક્સિજન જલ્દી ખતમ થઈ જશે.