ઉત્તરાખંડ વિધાનસભાએ ઇતિહાસ રચ્યો, સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું
Uttarakhand UCC: આઝાદ ભારતમાં ઉત્તરાખંડ આવું કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે. આ બિલ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી દ્વારા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બિલને ધારાસભ્યો દ્વારા ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું.
દેહરાદૂનઃ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા સમાન નાગરિક સંહિતા ઉત્તારખંડ 2024 બિલ ગૃહમાં પસાર થઈ ગયું છે. વિધાનસભામાં યુસીસી બિલ પાસ થયા બાદ ઉત્તરાખંડ સમાન નાગરિક સંહિતા લાગૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. ધ્વનિમતથી પ્રસ્તાવ પાસ થતા પહેલા બિલ પર બોલતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યુ કે આપણા બંધારણ નિર્માતાઓએ જે સપનું હોયું હતું, તે જમીન પર ઉતરીને હકીકત બનવા જઈ રહ્યું છે. આપણે ઈતિહાસ રચવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે દેશના અન્ય રાજ્યોએ પણ આ દિશામાં આગળ વધવું જોઈએ.
મુખ્યમંત્રી ધામીએ કાયદા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાસાંઓને સામે રાખ્યા હતા. તેમણે કહ્યું કે આ કાયદાનો ઉદ્દેશ્ય તુષ્ટીકરણ નહીં પરંતુ સમાજમાં સમાનતા લાવવી છે. ધામીએ કહ્યુ કે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા અમે ઉત્તરાખંડની જનતા સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે અમે યુસીસી કાયદો બનાવીશું અને તેના માટે એક ડ્રાફ્ટ કમિટી બનાવવામાં આવશે. ઉત્તરાખંડમાં રહેતા દરેક વ્યક્તિ માટે એક સમાન કાયદો હોવો જોઈએ.
આ પણ વાંચોઃ જે કોંગ્રેસના પોતાના નેતાની કોઈ ગેરંટી નથી, તે મોદીની ગેરંટી પર સવાલ ઉઠાવે છે- PM
સમાન નાગરિક સંહિતાના મહત્વપૂર્ણ મુદ્દા પર બોલતા ધામીએ કહ્યુ કે નવો કાયદો લાગૂ થયા બાદ પતિ કે પત્નીના જીવિત રહેવા પર બીજા લગ્ન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હશે. જન્મ અને મૃત્યુની નોંધણીની જેમ લગ્ન અને છુટાછેડાનું પણ રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આ રજીસ્ટ્રેશન વેબ પોર્ટલના માધ્યમથી થશે. કોઈ જૂના લગ્ન છુપાવી બીજા લગ્ન કરશે તો રજીસ્ટ્રેશન દ્વારા તેની જાણકારી મળી જશે. તેનાથી માતાઓ અને બહેનોમાં સુરક્ષાનો ભાવ આવશે.
CM ધામીએ શું કહ્યું?
સીએમ ધામીએ વિધાનસભામાં કહ્યું કે આ કોઈ સામાન્ય બિલ નથી પરંતુ ભારતની એકતા માટેની ફોર્મ્યુલા છે. જે સંકલ્પના સાથે આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણું બંધારણ ઘડ્યું હતું તેનો અમલ દેવભૂમિ ઉત્તરાખંડથી જમીન પર થવા જઈ રહ્યો છે. તેમણે તેને ઐતિહાસિક બિલ ગણાવ્યું. તેમણે કહ્યું કે વાસ્તવમાં દેવભૂમિ ઉત્તરાખંડનું સૌભાગ્ય છે કે તેને આ તક મળી છે. ભારતમાં ઘણા મોટા રાજ્યો છે પરંતુ ઉત્તરાખંડને આ તક મળી છે. આપણને સૌને ગર્વ છે કે આપણને ઇતિહાસ લખવાની તક મળી છે.