લોન્ચ થઈ રહ્યો છે 125 રૂપિયાનો સિક્કો, અન્ય વિગતો જાણવા માટે કરો ક્લિક
ઉપરાષ્ટ્રપતિ દ્વારા 125 રૂપિયાના સિક્કાને વૈજ્ઞાનિક અને સાંખ્યિકીવિદ્ પ્રશાંતચંદ્ર મહાલનોબિસની યાદમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હી: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે 125 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવાના છે. ઉપરાષ્ટ્રપતિ દ્વારા 125 રૂપિયાના સિક્કાને વૈજ્ઞાનિક અને સાંખ્યિકીવિદ્ પ્રશાંતચંદ્ર મહાલનોબિસની યાદમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે. 29 જૂન 1889ના રોજ જન્મેલા પ્રશાંતચંદ્ર મહાલનોબિસે જ દેશમાં ભારતીય સાંખ્યિકી સંસ્થાનની શરૂઆત કરી હતી અને આજે તેમની 125મી જન્મજયંતી પર વેંકૈયા નાયડુ દ્વારા 125 રૂપિયાના સ્મારક સિક્કાને લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ વેંકૈયા નાયડુ 5 રૂપિયાના નવા સિક્કાને પણ લોન્ચ કરશે.
અત્રે જણાવવાનું કે પ્રશાંતચંદ્ર મહાલનોબિસના જન્મદિવસને દેશભરમાં સાંખ્યિકી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સાંખ્યિકી અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય તથા ભારતીય સાંખ્યિકી સંસ્થાને આ અંગે જાણકારી આપતા કહ્યું કે આ વર્ષના સાંખ્યિકી દિવસની થીમ અધિકૃત સાંખ્યિકીમાં ગુણવત્તા આશ્વાસાન છે. અત્રે જણાવવાનું કે ઈન્ડિયન સ્ટેટસ્ટિકલ ઈન્સ્ટિટ્યૂટ (ભારતીય સાખ્યિકી સંસ્થાન)ની સ્થાપના મહાલનોબિસે 1931માં કરી હતી. તેમણે ભારતમાં સ્ટેટસ્ટિકલ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના પ્રમાથનાથ બેનરજી, નિખિલ રંજન સેન અને સર આર એન મુખરજી સાથે કરી હતી.
અત્રે જણાવવાનું કે મહાલનોબિસની 125મી જન્મજયંતી પર ગુગલે પણ ડૂડલ બનાવીને યાદ કર્યા છે. નોંધનીય છે કે 2007માં સરકારે 29 જૂનને સ્ટેટસ્ટિક દિવસ તરીકે જાહેર કર્યો હતો. સરકાર દ્વારા આ દિવસ મનાવવાનું એટલા માટે નક્કી કરવામાં આવ્યું કારણ કે સામાજિક અને આર્થિક નિયોજન તથા નીતિ નિર્ધારણમાં પ્રો. મહાલનોબિસની ભૂમિકા અને દેશ માટે તેમણે આપેલા યોગદાન અંગે યુવા પેઢીને જાણ થઈ શકે.