માલ્યા પ્રત્યાર્પણ કેસઃ સીબીઆઈએ બ્રિટનને ભારતની જેલનો વીડિયો સોંપ્યો
લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે ભારતને કહ્યું હતું કે તે જે જગ્યાએ માલ્યાને રાખવા ઈચ્છે છે તેનો એક વીડિયો રજૂ કરે. ત્યારબાદ સીબીઆઈએ 8 મિનિટનો એક વીડિયો મુંબઈની આર્થર રોડ જેલનો કોર્ટને સોંપી દીધો છે.
નવી દિલ્હીઃ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને દેશ પરત લાવવાના પ્રયત્નમાં લાગેલી સીબીઆઈએ બ્રિટનની માંગ પર તેને ભારતની જેલનો વીડિયો સોંપી દીધી છે. વિજય માલ્યાએ બ્રિટનની એક કોર્ટમાં કહ્યું હતું કે, ભારતની જેલની સ્થિતિ યોગ્ય નથી. ત્યાંની જેલમાં પ્રકાશની પણ વ્યવસ્થા નથી. તેના પર બ્રિટનની કોર્ટે ભારત પાસે પૂરાવા માંગ્યા હતા. લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે ભારતને કહ્યું હતું કે તે જે જગ્યાએ માલ્યાને રાખવા ઈચ્છે છે તેનો એક વીડિયો રજૂ કરે. ત્યારબાદ સીબીઆઈએ 8 મિનિટનો એક વીડિયો મુંબઈની આર્થર રોડ જેલનો કોર્ટને સોંપી દીધો છે.
ઉલ્લેખનીય છે કે કિંગફિશર એરલાયન્સ પર 31 જાન્યુઆરી 2014 સુધી બેન્કોના 6,963 કરોડ રૂપિયા બાકી છે. દેણા પર વ્યાજ બાદ માલ્યાની કુલ દેવાદારી 9990 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. માલ્યા 2016માં ભારતથી ભાગી ગયો હતો. તે હાલમાં લંડનમાં છે અને કોર્ટ કેસનો સામનો કરી રહ્યો છે. ભારત સરકાર તરફથી જારી વોરંટ પર કાર્યવાહી કરતા માલ્યાની 18 એપ્રિલ 2017મા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને જામીન મળી ગયા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર વીડિયોમાં દેખાડવામાં આવ્યું કે બેરેક નંબર 12માં પુરતી રોશની છે. બેરેકમાં ન્હાવાની જગ્યા છે. આ સિવાય એક પર્સનલ ટોયલેટ છે. આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું કે, બેરેકની બારીઓમાં જાળી છે. તેમાંથી પુરતી માત્રામાં પ્રકાશ આવે છે.
પીએમ મોદીએ આપ્યો બ્રિટનના પીએમને જવાબ
ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જણાવ્યું કે, જ્યારે બ્રિટનમાં પીએમ મોદી અને ઈંગ્લેન્ડના પીએમ મળ્યા હતા, ત્યારે તેમણે પૂછ્યુ હતું કે માલ્યાને ક્યાં રાખશો. તેના પર તેમણે કહ્યું હતું કે જે જેલોમાં તમે મહાત્મા ગાંધી અને નેહરૂને રાખ્યા હતા, અમે માલ્યાને ત્યાં રાખશું.