પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા શુક્રવારે સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા. પાર્ટીમાં જોડાતા પહેલા બંને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના ઘરે પહોંચ્યા હતા. જેને શિષ્ટાચાર ભેટ જણાવવામાં આવી હતી. ખડગેના ઘરે પાર્ટી મહાસચિવ કેસી વેણુગોપાલ પણ પહોંચ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં સામેલ થયા બાદ વિનેશ અને બજરંગ હવે કુશ્તીના અખાડાથી રાજકારણના અખાડામાં જોવા મળશે. બંને ખેલાડીઓ હરિયાણા વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા કોંગ્રેસમાં જોડાયા છે. વિનેશ ફોગાટની રાજકારણમાં એન્ટ્રી બાદ હવે તેઓ ચૂંટણી લડે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. બજરંગ પુનિયા હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે.


કોંગ્રેસનો હાથ થામ્યા બાદ વિનેશ ફોગાટે કહ્યું કે હું તમારી આશાઓ પર ખરી ઉતરું. હું કોંગ્રેસનો આભાર માનું છું. ખરાબ સમયમાં ખબર પડે છે કે કોણ તમારી સાથે છે. હું ગર્વ મહેસૂસ કરું છું કે હું એવી પાર્ટી સાથે જોડાઈ છું જે મહિલાઓની પીડા સમજે છે. અમે દરેક એ મહિલાની પડખે છીએ જે પોતાને અસહાય સમજે છે. જ્યારે અમે પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે ભાજપ સિવાય દરેક પાર્ટીએ અમારો સાથ આપ્યો. આજથી હું એક નવી ઈનિંગની શરૂઆત કરી રહી છું. 



રેલવેની નોકરી છોડી
હાલમાં જ કુશ્તીના અખાડાના આ બે ધૂરંધર ખેલાડીઓએ દિલ્હીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસ જોઈન કરતા પહેલા શુક્રવારે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને પણ તેઓ મળ્યા. કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચતા પહેલા વિનેશ ફોગાટે રેલવેની નોકરીમાંથી રાજીનામું પણ આપી દીધુ. તથા પોતાનું રાજીનામું સોશિયલ મીડિયા પર શેર પણ કર્યું. 



પાર્ટી સુત્રોના જણાવ્યાં મુજબ વિનેશ ફોગાટ ચરખી દાદરી, બાઢડા કે જુલાનાથી ચૂંટણી લડી શકે છે. વધુ ચર્ચા એ વાતની પણ છે કે કોંગ્રેસ જીંદ જિલ્લાના જુલાના વિધાનસભા બેઠકથી વિનેશ ફોગાટને ચૂંટણી લડાવી શકે છે. કારણ કે આ વિસ્તારમાં વિનેશ ફોગાટનું સાસરું છે. વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકથી પાછી ફરીને દિલ્હી આવ્યા હતા  ત્યારે તેના સ્વાગતમાં રોહતકથી કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાના એરપોર્ટ પહોંચ્યા બાદથી એવી અટકળો હતી. કારણ કે દિલ્હી એરપોર્ટથી નીકળેલા વિનેશ ફોગાટના કાફલામાં જીપમાં દીપેન્દ્ર હુડ્ડા, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા એક સાથે હતા.