કોરોના : માસ્ક વગર લક્ઝરી કારમાં ફરવા નીકળેલા નબીરાને કરાવાઈ ઉઠબેસ
મળતી માહિતી પ્રમાણે શનિવારે એક પૈસાદાર યુવક પોર્શે કંપનીની લગભગ 85 લાખ રૂપિયાની કાર લઈને ફરવા નીકળી પડ્યો હતો. સુખલિયા વિસ્તારમાં એમઆર-10 પર પોલીસે તેને રોક્યો અને નિયમો શીખવ્યા હતા.
નવી દિલ્હી : દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે દેશમાં 3 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને પોલીસ પણ કડક રીતે લોકડાઉનના નિયમોનું પાલન કરાવી રહી છે. હાલમાં સોશિયલ મીડિયામાં ઈંદોરનો એક વીડિયો વાયરલ બન્યો છે જેમાં ટ્રાફિક પોલીસ મોંઘીદાટ કારમાં ફરવા નીકળેલા નબીરાને ઉઠબેસ કરાવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે શનિવારે એક પૈસાદાર યુવક પોર્શે કંપનીની લગભગ 85 લાખ રૂપિયાની કાર લઈને ફરવા નીકળી પડ્યો હતો. સુખલિયા વિસ્તારમાં એમઆર-10 પર પોલીસે તેને રોક્યો અને નિયમો શીખવ્યા હતા. આ મામલામાં યુવકે સ્પષ્ટતા કરી છે કે તે અન્નદાન કરવા નીકળ્યો હતો અને તેની પાસે કરફ્યુ પાસ પણ હતો. યુવાને આરોપ મૂક્યો છે કે ટ્રાફિક પોલીસે તેની એક પણ વાત સાંભળી નહોતી.
જાહેર રસ્તા પર ઉઠબેસ કરી રહેલા માલેતુજાર યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોને લોકો ખૂબ શેર કરી રહ્યા છે સાથે જ પોલીસે આપેલી સજાના ભરપેટ વખાણ કરી રહ્યા છે. પોલીસે ઉઠકબેઠક કરાવ્યા પછી યુવકને ચેતવણી આપીને છોડી દીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube