નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે જ્યાં દેશભરમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં આ દિવસે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી વિશ્વકર્મા યોજના પણ અમલી બનશે. જેમાં કારીગર વર્ગને વ્યવસાય શરૂ કરવા ધિરાણની સુવિધા પૂરી પાડવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ આ જાહેરાત કરી હતી. 17મી સપ્ટેમ્બરે વિશ્વકર્મા જયંતિએ જ પ્રધાનમંત્રીનો જન્મદિવસ છે, ત્યારે દેશભરમાં પીએમ વિશ્વકર્મા યોજના અમલમાં મૂકાશે..


આ યોજનાનું આખું નામ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના છે, પણ ટૂંકાણમાં તે પીએમ વિકાસ યોજના તરીકે પણ ઓળખાશે. જેના થકી શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વસતા પરંપરાગત કારીગરોને ધિરાણની મદદ કરવામાં આવશે. 


વિશ્વકર્મા યોજના પાછળ કેન્દ્ર પાંચ વર્ષમાં 13 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તેમાં 18 પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સુથાર, બોટ-નાવડી બનાવનાર, બખ્તર-ચપ્પુ બનાવનાર, લુહાર, હથોડી અને ટૂલકિટના નિર્માતા, તાળાના કારીગર, કુંભાર, શિલ્પકાર, મોચી, કડિયા, વાળંદ, ટોપલીટોપલા કે સાવરણીના કારીગર, દરજી, ધોબી, માળી, માછલી પકડવાની જાળી બનાવનારા, પરંપરાગત રમકડાના કારીગર તેમજ સુવર્ણકામ કરનારા કારીગરોનો સમાવેશ થાય છે. 


આ પણ વાંચોઃ PM Birthday: તમે સીધા જ PM મોદીને પાઠવી શકો છો જન્મદિનની શુભેચ્છા, જાણી લો કેવી રીતે


યુવાનો પોતાના પરંપરાગત વ્યવસાય દ્વારા રોજગારી મળવી શકે તે વિશ્વકર્મા યોજનાનો મૂળ હેતુ છે. 2028 સુધી યોજનામાં 30 લાખ કારીગરોને આવરી લેવાનો લક્ષ્યાંક છે.યોજના હેઠળ કારીગરનો ત્રણ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. જે વ્યક્તિની ઉંમર 18 વર્ષ છે, તે આ યોજનાનો લાભ લઈ શકશે. પરિવાર દીઠ એક વ્યક્તિને લોનનો લાભ મળશે. કૌશલ્ય ચકાસણી પછી તેમને 15 હજાર રૂપિયાની ટૂલકિટ આપવામાં આવશે. બેઝીક અને એડવાન્સ તાલીમ દરમિયાન દૈનિક 500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. તાલીમ બાદ રૂપિયા એક લાખની લોન કોઇ પણ જામીનગીરી વિના આપવામાં આવશે. લોન સમયસર ચૂકવનારને વધુ બે લાખની લોન અપાશે. મુદ્રા અને સ્વનિધિના જે લાભાર્થીઓ લોનની ચૂકવણી કરી દીધી હોય તેમને આ યોજનાનો લાભ મળશે. સરકારી નોકરી કરતી વ્યક્તિના પરિવારને લાભ નહી મળે. 


આ યોજનાની જાહેરાત કરતાં પ્રધાનમંત્રીએ OBC વર્ગનો ઉલ્લેખ કર્યો હતો. એટલે કે આ યોજનાનો મહત્તમ લાભ OBCમાં આવતા કારીગર વર્ગને મળશે. પ્રધાનમંત્રીના જન્મદિવસના બે દિવસ પહેલાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસી અનામત વધારીને 27 ટકા કરવામાં આવી છે. એટલે કે પ્રધાનમંત્રીના આ જન્મદિવસે OBCને મોટી ભેટ મળી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube