PM Modi ના કારણે પુતિન બદલશે પોતાની રણનીતિ? G20 બેઠકમાં ભાગ લેવા માટે આવી શકે છે ભારત
Vladimir Putin may Visit India: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ સંબંધ છે. બંને હંમેશા કહેતા હોય છે કે ભારત અને રશિયાની મિત્રતા અતૂટ છે. હવે પીએમ મોદીના કારણે પુતિન પોતાની રણનીતિમાં ફેરફાર કરી શકે છે.
Vladimir Putin may Visit India: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ગાઢ સંબંધ છે. બંને હંમેશા કહેતા હોય છે કે ભારત અને રશિયાની મિત્રતા અતૂટ છે. હવે પીએમ મોદીના કારણે પુતિન પોતાની રણનીતિમાં ફેરફાર કરી શકે છે અને જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે. વ્લાદિમિર પુતિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે આ જાણકારી આપી.
દમિત્રી પેસ્કોવે કહ્યું કે ભારતમાં સપ્ટેમ્બરમાં આયોજિત થનારા જી20 શિખર સંમેલનમાં તેઓ ભાગ લઈ શકે છે. જો કે તેમણે એમ પણ કહ્યું કે આ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતમાં થનારા શિખર સંમેલનમાં શું વ્લાદિમિર પુતિન ભાગ લઈ શકે છે તો દમિત્રી પેસ્કોવે કહ્યું કે તેનાથી ઈન્કાર થઈ શકે નહીં.
પીએમ મોદીના કારણે બદલશે રણનીતિ?
અત્રે જણાવવાનું કે જી20 શિખર સંમેલનનું આયોજન દિલ્હીમાં 9થી 10 સપ્ટેમ્બરના રોજ થશે. જેમાં વ્લાદિમિર પુતિન સામેલ થઈ શકે છે. ત્યારબાદ ચર્ચા છે કે શું પુતિન પીએમ નરેન્દ્ર મોદીના કારણે પોતાની રણનીતિ બદલી રહ્યા છે કારણ કે છેલ્લા 2 વર્ષથી તેઓ જી20 સમિટમાં સામેલ થયેલા જોવા મળ્યા નથી.
ઈન્ડોનેશિયાના બાલીમાં ગત વર્ષે યોજાયેલા જી20 નેતાઓના મંચ પર રશિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કર્યું હતું. 2021માં રોમમાં આયોજિત જી20 સંમેલનમાં પણ વ્લાદિમિર પુતિન સામેલ થયા નહતા અને કોરોનાનો હવાલો આપતા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. 2020ની જી20 સંમેલનમાં પણ પુતિને ડિજિટલ રીતે સંબોધન કર્યું હતું.
પુતિનનું ભારત આવવું ખુબ મહત્વનું
જો વ્લદામિર પુતિન જી20 સંમેલનમાં ભાગ લેવા માટે ભારત આવે તો કૂટનીતિક રીતે તે ભારતની મોટી જીત હશે. કારણ કે આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક જેવા પશ્ચિમી દેશોના દિગ્ગજ નેતાઓ સામેલ થશે જેમની મુલાકાત રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત બાદ થઈ નથી. જો ભારત આ બધાને એક મંચ પર લાવવામાં સફળ રહેશે તો દુનિયાભરમાં ભારતનું કદ હજુ ઘણું વધી જશે.
રશિયાની સરકારી એજન્સી તાસે દમિત્રી પેસ્કોવના હવાલે કહ્યું કે 'હજુ સુધી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના જી20 બેઠકમાં સામેલ થવા અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. પેસ્કોવે કહ્યું કે રશિયા જી20 સ્વરૂપમાં પોતાની પૂર્ણ ભાગીદારી ચાલુ રાખી છે અને અમે તેને જાળવી રાખવાનો ઈરાદો ધરાવીએ છીએ.'