નવી દિલ્હીઃ સોમવારે દિલ્હી કોર્ટ દ્વારા ક્રિશ્ચન મિશેલના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કેસના વચેટિયા એવા ક્રિશ્ચન મિશેલને પ્રત્યાર્પણ દ્વારા દુબઈથી ભારત લાવવામાં આવ્યો છે. સીબીઆઈએ વધુ 9 દિવસની કસ્ટોડિયલ તપાસની માગણી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિશેલને સીબીઆઈની વિશેષ અદાલતના ન્યાયધિશ અરવિંદ કુમાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સીએ મિશેલના વધુ 9 દિવસના કસ્ટોડિયલ રિમાન્ડની માગણી કરતા જણાવ્યું હતું કે, મિશેલ તપાસમાં સહયોગ આપતો નથી. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, 'અગસ્તાવેસ્ટલેન્ડના કથિત વચેટિયા એવા ક્રિશ્ચન મિશેલ તપાસમાં સહકાર આપતા નથી. તેઓ પુછપરછ દરમિયાન ગોળ-ગોળ જવાબ આપી રહ્યા છે.'


સીબીઆઈએ કોર્ટને વધુ રિમાન્ડની માગણીનું કારણ રજૂ કરતા જણાવ્યું કે, "અમે તેની સમક્ષ પાંચ દેશોમાંથી પ્રાપ્ત લેટર રોગેટરી બતાવીને પુછપરછ કરવા માગીએ છીએ. મિશેલ ઈટાલિયન તપાસ એજન્સીને પણ સહકાર આપતા નથી. "


મિશેલે પણ તેણે અગાઉ કરેલી જામીન અરજી પાછી ખેંચી લીધી હતી અને નવી વિગતવાર જામીન અરજી દાખલ કરી છે. સીબીઆઈએ મિશેલનો સંપર્ક કરવા માટે બ્રિટિશ હાઈ કમિશનને મંજૂરી આપી છે. એજન્સીએ જણાવ્યું કે, 'બ્રિટિશ કાન્સેલર્સ દ્વાર ાઅમારો સંપર્ક કરવામાં આવ્યો છે અને અમે તેમનો પોતાનો વકીલ રાખવાની વિનંતીને માન્ય રાખી છે.'


મિશેલના હસ્તાક્ષર અને લખાણની નકલ મેળવવા માટે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં સીબીઆઈની કોર્ટે મિશેલના વકીલને જવાબ રજૂ કરવા જણાવ્યું છે. હવે કોર્ટ મંગળવારે અરજીની સુનાવણી હાથ ધરશે. 


કોર્ટે મિશેલના વકિલને મળવા દેવા માટે સવારે અડધો કલાક અને સાંજે અડધો કલાકનો સમય મંજૂર કર્યો છે. તપાસ એજન્સી એવું ઈચ્છતી હતી કે, મિશેલનો વકીલ દિવસમાં માત્ર એક વખત જ મળવા આવે.