ઉત્તર ભારત સહિત દેશના કેટલાંક ભાગમાં કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. તો દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તમિલનાડુ ચોમાસાના આગમન પહેલાં જ વરસાદથી ત્રસ્ત છે. કેરળમાં 31 મેના રોજ ચોમાસું શરૂ થવાની આગાહી કરાઈ છે. પરંતુ તે પહેલાં જ દક્ષિણ ભારતના આ રાજ્યોમાં ધોધમાર વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે ત્યારે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો? હવામાન વિભાગની વરસાદ અંગે શું આગાહી છે? જોઈશું આ રિપોર્ટમાં.... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં મોસમનો મિજાજ બદલાયો છે. કેમ કે હવામાન વિભાગે કેરળમાં 31 મેના રોજ ચોમાસું બેસવાની આગાહી કરી છે પરંતુ તે પહેલાં જ મેઘરાજા વહેલા આવી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. કેરળના એર્નાકુલમ શહેરમાં ચોમાસા પહેલાં જ મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. જેના કારણે રસ્તા પર પાણી વહેવા લાગ્યા. જોકે અચાનક વરસાદ શરૂ થઈ જતાં વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ તરફ તમિલનાડુના મદુરાઈ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો.


બીજીબાજુ તમિલનાડુના કાંચીપુરમ શહેરના અનેક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો.. જેના કારણે ખુશનુમા માહોલ જોવા મળ્યો. આ દ્રશ્યો તમિલનાડુના વાણિયામબાડી વિસ્તારના છે. અહીંયા મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ  ગયા. જેના કારણે રસ્તા પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તમિલનાડુના કરૂર શહેરના અનેક વિસ્તારમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. જેમાં માત્ર રસ્તા પર જ નહીં પરંતુ લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયું. પરિણામે લોકોની ઘરવખરીને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો.


આ ભાગોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, પશ્વિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે. જે રીતે મે મહિનામાં વરસાદ શરૂ થઈ ગયો છે તે જોતાં હવામાન વિભાગની આગાહી પહેલાં ચોમાસું શરૂ થઈ જશે તેવું લાગી રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ લક્ષદ્વીપમાં 21 થી 23 મે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ 21થી 23મી મે દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે. અસમ અને મેઘાલયમાં પણ 21-23મી મેના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતમાં શું રહેશે પરિસ્થિતિ
ગુજરાતમાં ભારે ગરમી લોકોને હેરાન પરેશાન કરી રહી છે. આગામી 5 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમા હિટવેવ ના કારણે હિટ રીલેટેડ કેસોમાં વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી કુલ 72 કેસ હિટ સ્ટ્રોકના નોધાયા છે. હિટ ના આધારે ઈલનેસ ના કેસોમા વધારો નોધાયો છે. 17 એપ્રિલ બાદ કેસોમા રોજના 70-80 કેસો નોંધાતા હતા. ગઈકાલે સૌથી વધુ 100 ઉપર કેસ નોધાયા. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર ન જવા સુચના આપવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube