આમ તો હવે શિયાળો જવાની તૈયારીમાં છે પરંતુ અનેક રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની અસર જોવા મળી રહી છે. પહાડી રાજ્યોની સાથે સાથે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં પણ હવામાન ખાતા તરફથી વરસાદની આગાહી કરાઈ છે. દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ, સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં કેટલાક દિવસો સુધી વરસાદની શક્યતા છે. હવામાન ખાતાએ વરસાદની સાથે સાથે કરા પડવાની પણ આગાહી કરી છે. 19 અને 20 તારીખના રોજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચીમી ઉત્તર પ્રદેશ, અને હરિયાણા ચંડીગઢમાં અલગ અલગ સ્થળો પર કરા પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં યલ્લો એલર્ટ
પૂર્વ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 20-22 ફેબ્રુઆરી સુધીમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે પવન ફૂંકાઈ શકે અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની વકી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં ચાર દિવસ સુધી હવામાન ખરાબ રહેશે. પ્રદેશના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન પવન પણ ફૂંકાશે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કરા પણ પડી શકે છે. ખાસ કરીને 20 ફેબ્રુઆરી માટે હવામાન વિભાગ તરફથી યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. 


પહાડી વિસ્તારોમાં હિમવર્ષા
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ જમ્મુ કાશ્મીરના મોટાભાગના ઊંચાણવાળા વિસ્તારોમાં ગત રાતે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ પડવાના કારણે સોમવારે જનજીવન પ્રભાવિત રહ્યું. જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ અને શ્રીનગર-લેહ માર્ગ તાજી હિમવર્ષા અને વરસાદના કારણે બંધ કરાયો છે. શ્રીનગર હવામાન ખાતાએ કહ્યું કે ગત 24 કલાકમાં ઉત્તર કાશ્મીરના બારામૂલ્લા જિલ્લાના ગુલમર્ગમાં 40 સેમી હિમવર્ષા થઈ અને ઉત્તર કાશ્મીરના બારામૂલ્લા જિલ્લાના ગુલમર્ગ રિસોર્ટમાં 41.9 મિમી વરસાદ પણ પડ્યો. ગુલમર્ગ, ગુરેજ, પીરની ગલી, શોપિયા, અને કેન્દ્રશાસિત પ્રદેશના અન્ય ઉપરી ભાગોમાં સવારથી બરફવર્ષા થઈ રહી છે. 


કેવું રહેશે ગુજરાતમાં હવામાન
ગુજરાતમાં હાલ ડબલ સીઝનમાં નાગરિકો અટવાઈ રહ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે જો કે રાતના તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. આગામી 7 દિવસમાં ક્યાંય વરસાદની વકી નથી. આ સિવાય કોઈ મોટા હવામાન પલટાની પણ ચેતવણી અપાઈ નથી. રાજ્ય હવામાન ખાતાના જણાવ્યાં મુજબ રવિવારથી કચ્છના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રને બાદ કરતા રાજ્યના અન્ય ભાગોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં રાજ્યમાં તાપમાન સામાન્યથી થોડું ઉપર કે સામાન્ય રહેવાની પણ શક્યતા છે. 


રાજસ્થાનમાં હવામાન
રાજસ્થાનમાં એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી દિવસોમાં અનેક વિસ્તારમાં હળવા વરસાદની વકી છે. આ સાથે જ ભરતપુરમાં એક બે જગ્યાએ કરા પડવાની શક્યતા છે. 20 ફેબ્રુઆરીથી જોધપુર, અજમેર, જયપુર અને ભરતપુર વિસ્તારોમાં ક્યાંક ક્યાંક મેઘ ગર્જના સાથે હળવા વરસાદની શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube