ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ જોવા મળી રહ્યો છે. જો કે ભારતીય હવામાન ખાતાએ દેશભરમાં જે રીતે કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમને રાહત આપતા સમાચાર આપ્યા છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ વખતે ચોમાસુ લગભગ ત્રણ દિવસ વહેલું બેસી શકે છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નિર્ધારિત સમયથી ત્રણ દિવસ આગળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખે આંદામાન સાગરમાં પ્રવેશ કરશે!
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 19મી મેની આજુબાજુ દક્ષિણ આંદામાન સાગરમાં પ્રવેશી શકે છે. ત્યારબાદ તે બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ ભાગમાં પણ તે જ દિવસે પ્રવેશી શકે છે. અત્રે જણાવવાનું કે સામાન્ય રીતે 22મી મેની આજુબાજુ ચોમાસું આ વિસ્તારોમાં પહોંચતું હોય છે. પરંતુ આ વખતે ત્રણ દિવસ વહેલું જોવા મળી રહ્યું છે. 


આદમાનમાં ચોમાસુ થોડું વહેલું આવવાનો અર્થ એ નથી કે કેરળમાં પણ સામાન્ય કરતા વહેલું આવશે. સામાન્ય રીતે ચોમાસું પહેલી જૂનની આજુબાજુ કેરળ તરફ આગળ વધે છે. ત્યારબાદ તે ઉત્તર તરફ અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને કવર કરી લે છે. કેરળમાં ચોમાસાની શરૂઆત વરસાદ અને હવાની ગતિ, દિશા, કન્વેક્શન વગેરેના આધારે થાય છે. જો કેરળ અને લક્ષદ્વીપના 14 નિર્દિષ્ટ હવામાન કેન્દ્રમાંથી ઓછામાં ઓછા 60 ટકામાં 10 મે બાદ કોઈ પણ સમયે સતત બે દિવસ સુધી ઓછામાં ઓછો 2.5 મિમી વરસાદ નોંધાય તો આઈએમડી ચોમાસાની શરૂઆતની જાહેરાત કરે છે. હવામાન વિભાગને આશા છે કે આ વખતે ચોમાસામાં સારો એવો વરસાદ પડશે. આ અગાઉ 15 એપ્રિલના રોજ હવામાન વિભાગે કહ્યું હતું કે ચોમાસામાં લગભગ 106 ટકા જેટલો વરસાદ રહે તેવી શક્યતા છે. 


હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મેના અંતિમ અઠવાડિયામાં ફરી એકવાર વરતારો બહાર પાડવામાં આશે. તેમાં પશ્ચિમ ભારત, મધ્ય ભારત, દક્ષિણ પ્રાયદ્વીપ અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની સ્થિતિ અને જાણકારી અંગેના લેટેસ્ટ અપડેટ આપવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube