નવી દિલ્હી: મહિલાઓ અને ખાસ કરીને સગીર બાળાઓ સાથે છેડછાડની ઘટના દિન પ્રતિદિન વધતી જાય છે. આ જ કારણ છે કે ભીડભાડવાળી જગ્યાઓ પર વિકૃત માનસિકતાવાળા લોકોથી આપણી બાળકીઓ સુરક્ષિત નથી. પશ્ચિમ બંગાળમાં પણ આવો જ એક શરમજનક બનાવ જોવા મળ્યો. જે જોઈને માથું શરમથી ઝૂકી જાય. એક આધેડ ઉંમરની વ્યક્તિ બજારમાં ખુલ્લેઆમ બધાની વચ્ચે છોકરીની માતા હોવા છતાં તેની છેડછાડ કરતો જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો પશ્ચિમ બંગાળના ચિનસુરાહનો છે. વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે વીડિયો કોઈ મેળાનો છે. જેમાં એક છોકરી તેની માતા સાથે ઊભી છે. તેની પાછળ એક વ્યક્તિ ઊભો છે.



આધેડ ઉંમરનો આ માણસ યુવતીને પાછળથી ગંદી રીતે સ્પર્શ કરવાની કોશિશ કરી રહ્યો છે. ત્યાં ખુબ ભીડભાડ છે. કોઈ વ્યક્તિ એ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો છે. પહેલા તો છોકરી કઈ સમજી શકતી નથી પરંતુ ત્યારબાદ તેને જેવો અહેસાસ થાય છે, તે તેની માતાને આ અંગે જણાવે છે અને માતા તેને તે જગ્યાથી હટાવી દે છે.


વિકૃત વિચારસરણીવાળા આ વ્યક્તિને જેવો અહેસાસ થાય છે કે કોઈ તેનો વીડિયો બનાવી રહ્યું છે તે ત્યાંથી હટી જાય છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર દરેક પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. લોકો તેને જલદી પકડવા માટે પોલીસની મદદ લઈ રહ્યાં છે. જો કે કહેવાય છે કે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ થઈ ગઈ છે અને પોલીસ તેને શોધી રહી છે. અનેક લોકોએ પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને આ વ્યક્તિ સામે આકરી કાર્યવાહી કરવાની માગણી કરી છે.